બ્રિટન અને ભારત વચ્ચેના વેપાર સોદાની વાટાઘાટોની પ્રગતિ અંગે ચર્ચા કરવા માટે તા. 4 જુલાઈના રોજ સ્ટોકપોર્ટના સાંસદ નવેન્દુ મિશ્રા દ્વારા વેસ્ટમિન્સ્ટર પેલેસ ખાતે લેબર કન્વેન્શન ઓફ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન્સના રિસેપ્શનમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીનું સ્વાગત કરાયું હતું. લેબર પાર્ટીના સભ્યો તેમજ બ્રિટન અને ભારતમાં પરસ્પર હિત ધરાવતા બિઝનેસીસને આ રીતે સંબોધિત કરનાર ભારતના હાઈ કમિશનર માટે આ કાર્યક્રમ પ્રથમ વખતનો હતો.
આ કાર્યક્રમમાં, હાઈ કમિશનરે વર્તમાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના પ્રકાશમાં વેપાર સંબંધો, સાંસ્કૃતિક કડીઓ અને બંને રાષ્ટ્રોના સંબંધોને વધુ ગાઢ બનાવવા બાબતે ચર્ચા કરી હતી. ગયા વર્ષના અંતમાં બ્રિટનના વિરોધ પક્ષ લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે હસ્તક્ષેપ કરતાં હાઉસ ઓફ કોમન્સમાં કહ્યું હતું કે ભારત યુકે વચ્ચેનો વેપાર કરાર બ્રિટનમાં નવી નોકરીઓને પ્રોત્સાહન આપવા અને સર્જન કરવાની નવી તકો લાવી શકે છે”.
યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને ડિયાજીઓ દ્વારા પ્રાયોજિત આ રિસેપ્શનમાં ઇન્ટરનેશનલ બિઝનેસના શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ નિક થોમસ-સાયમન્ડ્સ, એમપીએ કહ્યું હતું કે ‘’હાલમાં, યુકેમાં 900થી વધુ ભારતીય કંપનીઓ વેપાર કરે છે જેનું સંયુક્ત ટર્નઓવર £54 બિલિયન છે, જે મજબૂત અસ્તિત્વમાં રહેલી કડીઓ દર્શાવે છે, ભારત હવે યુકેમાં બીજા નંબરનું સૌથી મોટું રોકાણકાર છે. લેબર કન્વેન્શન ઓફ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન્સના રિસેપ્શનના મેં નક્કી કર્યું છે કે યુકે-ભારત સંબંધો આગામી લેબર સરકારની વિદેશ નીતિનો કેન્દ્રિય આધારસ્તંભ હશે. લેબર ભારત સાથે મુક્ત વેપાર સોદા માટે પ્રતિબદ્ધ છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થાથી લઈને આબોહવા પરિવર્તન અને વૈશ્વિક સુરક્ષાને પહોંચી વળવા સુધીના વિવિધ મુદ્દાઓ પર નજીકથી કામ કરે છે.”
નવેન્દુ મિશ્રા સાંસદે ઉમેર્યું હતું કે “ખાસ લેબર સંસદસભ્યોના પ્રથમ બ્રીફિંગ માટે હાઉસ ઓફ કોમન્સમાં શ્રી વિક્રમ દોરાઈસ્વામીનું રીસેપ્શન યોજીને આનંદ થયો હતો. જેમ જેમ લેબર સરકારની સંભાવના વધુ નજીક આવતી જાય છે તેમ તેમ, તે મહત્વપૂર્ણ છે કે, લેબર રાજકારણીઓ તરીકે, અમે ભારત સાથે સકારાત્મક સંબંધો જાળવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટી કરીએ છીએ. આપણા રાષ્ટ્રો વચ્ચે ઘણી સમાનતાઓ છે અને તેની ઉજવણી થવી જોઈએ.”
UKIBC ના મેનેજિંગ ડિરેક્ટર, કેવિન મેક’કોલે, દ્વિપક્ષીય સંબંધોને આગળ ધપાવવાની સકારાત્મક ગતિ વિશે વાત કરી અને સંબંધોને વધારવાની પ્રતિબદ્ધતા અને મહત્વાકાંક્ષાને આવકારી હતી.