ખર્ચમાં ઉછાળાને કારણે ઓસ્ટ્રેલિયાનું વિક્ટોરિયા રાજ્ય મંગળવારે 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાનીમાંથી ખસી ગયું હતું. તેનાથી આયોજકો મૂંઝવણમાં મૂકાયાં હતાં અને નવું સ્થળ શોધવા માટેના પ્રયાસો ચાલુ કર્યાં હતા.
વિક્ટોરિયન સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગેમ્સની યજમાની માટે AUD $2 બિલિયન (USD $1.36 બિલિયન)નો ખર્ચ થવાનો પ્રારંભિક અંદાજ હતો. તે વધીને AUD $7 બિલિયન થયો છે. વિક્ટોરિયન પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુઝે જણાવ્યું હતું કે ઇવેન્ટ હોસ્ટ કરવાનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે અને તે તફાવતને આવરી લેવા માટે અન્ય સરકારી કાર્યક્રમોમાંથી ભંડોળને ડાયવર્ટ કરવા તૈયાર નથી.આ રમતના આયોજન માટે સરકાર આટલા પૈસા ખર્ચવા તૈયાર નથી.
ઓસ્ટ્રેલિયન સરકારને કોઈ ફાયદો ન દેખાતા એન્ડ્રુઝે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમણે કોમનવેલ્થ ગેમ્સના આયોજકોને યજમાન પદના કોન્ટ્રાક્ટમાંથી ખસી જવાના તેમની સરકારના નિર્ણય વિશે જાણ કરી છે.
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CGF)એ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ તેમના વિકલ્પો પર સલાહ લઈ રહ્યા છે. CGFએ જણાવ્યું હતું કે અંદાજિત ખર્ચમાં વધારો મુખ્યત્વે પ્રાદેશિક, મલ્ટી-સિટી હોસ્ટ મોડલ અને વિક્ટોરિયન સરકારના સ્થળ યોજનામાં ફેરફાર કરવા અને વધુ રમતોનો સમાવેશ કરવાના નિર્ણયને કારણે થયો હતો. અમે નિરાશ છીએ કે અમને ફક્ત આઠ કલાકની નોટિસ આપવામાં આવી હતી અને સરકાર આ નિર્ણય પર પહોંચે તે પહેલાં સંયુક્ત રીતે ઉકેલ શોધવા માટે પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે કોઈ વિચારણા કરવામાં આવી ન હતી.
2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની વાત કરીએ તો તેમાં 5 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેવાનાા છે. છેલ્લી ગેમ્સ 2022માં બર્મિંગહામમાં યોજાઈ હતી, જ્યારે ભારત મેડલ ટેલીમાં ચોથા ક્રમે હતું. ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 સિલ્વર સહિત 61 મેડલ જીત્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા 67 ગોલ્ડ સહિત 179 મેડલ સાથે ટોચ પર હતું.