ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળનું શુક્રવાર, 17 ઓક્ટોબરે વિસ્તરણ-પુનર્ગઠન કરાઈને હાલના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને નાયબ મુખ્યપ્રધાન તરીકે બઢતી આપવામાં આવી હતી. નવા કેબિનેટનો શપથગ્રહણ સમારંભ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ નવા પ્રધાનોને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવાડ્યાં હતાં.
હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જૂન મોઢવાણિયા, ડો પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકી સહિત છ ધારાસભ્યોએ કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતાં. આ પછી ઇશ્વરસિંહ સોલંકી, પ્રફુલ પાનસેરિયા અને ડો. મનીષ વકીલે સ્વતંત્ર હવાલા સાથે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.
નવી કેબિનેટમાં હાલના કુલ 10 પ્રધાનોના પત્તાના કપાયા હતાં. નવી કેબિનેટમાં કુલ 26 પ્રધાનનો સમાવેશ કરાયો હતો. નવા પ્રધાનોને ખાતાઓની ફાળવણી આજ સાંજ સુધી થવાની ધારણા છે.
શપથગ્રહણ સમારંભ પહેલા કુલ 26 પ્રધાનોની યાદી જાહેર કરાઈ હતી. નવા પ્રધાનમંડળમાં 8 ઓબીસી, 3 એસસી, 4 એસટી નેતાઓને સ્થાન અપાયું હતું. 8 પાટીદાર નેતાને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. કેબિનેટમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ કરાયો હતો. આમ મુખ્યપ્રધાન સહિત પ્રધાનમંડળ 27ની સંખ્યા સાથે પૂર્ણ કદનું થયું હતું.
નવા પ્રધાનમંડળમાં બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર બેઠક), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય), બચુ ખાબડ (દેવગઢ બારિયા), મૂળુ બેરા (ખંભાળિયા), કુબેર ડિંડોર (સંતરામપુર), મુકેશ પટેલ (ઓલપાડ), ભીખુસિંહ પરમાર (મોડાસા), કુંવરજી હળપતિ (માંડવી- સુરત) તેમજ જગદીશ વિશ્વકર્મા (નિકોલ)ને પડતા મૂકાયા હતાં.
પ્રદેશવાર જોઇએ તો ઉત્તર ગુજરાતમાંથી ચાર ધારાસભ્યોને પ્રધાન બનાવાયા હતાં. તેમાં સ્વરુપજી ઠાકોર (વાવ), પ્રવીણ માળી (ડીસા), ઋષિકેશ પટેલ (વિસનગર), પી.સી.બરંડા (ભિલોડા)નો સમાવેશ થાય છે.
દક્ષિણ ગુજરાતના છ ધારાસભ્યોનો પ્રધાન બનાવાયા હતા. તેમાં ઇશ્વર સિંહ પટેલ (અંકલેશ્વર), પ્રફુલ્લ પાનસેરિયા (કામરેજ), હર્ષ સંઘવી (મજૂરા), જયરામ ગામીત (નિજર), નરેશ પટેલ (ગણદેવી) અને કનુ દેસાઈ (પારડી)નો સમાવેશ થાય છે.
કચ્છ-સૌરાષ્ટ્રમાં કુલ નવ ધારાસભ્યોનને પ્રધાનપદ મળ્યું હતું. તેમાં ત્રિકમ છાંગા (અંજાર) કાંતિ અમૃતિયા (મોરબી), કુંવરજી બાવળિયા (જસદણ), રિવાબા જાડેજા (જામનગર ઉત્તર), અર્જુન મોઢવાડિયા (પોરબંદર), ડૉ. પ્રદ્યુમન વાજા (કોડિનાર), કૌશિક વેકરિયા (અમરેલી), પરશોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય), જીતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ)નો સમાવેશ થાય છે.
અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાંથી સાત ધારાસભ્યોનો કેબિનેટમાં સમાવેશ કરાયો હતો. તેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (ઘાટલોડિયા), દર્શનાબેન વાઘેલા (અસારવા), કમલેશ પટેલ (પેટલાદ), જયસિંહ મહિડા (મહુધા), રમેશ કટારા (ફતેપુરા), મનીષા વકીલ (વડોદરા શહેર) અને રમણ સોલંકી (બોરસદ)નો સમાવેશ થાય છે.
કેબિનેટના વિસ્તરણના એક દિવસ પહેલા 16 ઓક્ટોબરે તમામ 16 પ્રધાનોએ મુખ્યપ્રધાનને પોતાના રાજીનામા સુપરત કર્યા હતાં. અગાઉની કેબિનેટમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત 17 સભ્યો હતાં. તેમાંથી આઠ કેબિનેટ કક્ષાના પ્રધાનો, જ્યારે બાકીના રાજ્ય કક્ષાના પ્રધાનો (MoS) હતાં.
સૂત્રો જણાવ્યું હતું કે આગામી બેઠક મંત્રીમંડળ વિસ્તરણ પછી જ યોજાશે. ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને બે દિવસ માટે ગાંધીનગરમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી.
શપથ ગ્રહણ સમારંભમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરી આપી હતી.
આ મહિનાની શરૂઆતમાં ગુજરાત સરકારમાં રાજ્યપ્રધાન (MoS) જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય પ્રધાન સીઆર પાટિલના સ્થાને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના નવા પ્રમુખ બન્યા હતાં. ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા 182 છે અને હાલની 15 ટકાની મર્યાદા મુજબ 27 પ્રધાન બનાવી શકાય છે.
અગાઉ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યાં હતા અને તેમના નવા પ્રધાનમંડળના સભ્યોના શપથ સમારોહ માટે તેમની પરવાનગી માંગી હતી.
