(ANI Photo)

પુત્રને જન્મ આપ્યા પછી સોનમ કપૂરે ફરીથી તેની અભિનયની કારકિર્દી ‘બ્લાઈન્ડ’થી શરૂ કરી છે. 2011માં કોરિયન ભાષામાં આવેલી ફિલ્મ ‘બ્લાઈન્ડ’નું હિન્દી વર્ઝન આ ફિલ્મ છે. કોરિયન ફિલ્મો પરથી કેટલીય હિન્દી ફિલ્મો બની છે, જેમાં જિંદા, આવારાપન, રાધે, બર્ફી, ભારત, એક વિલન, ઝઝ્બા, ધમાકા વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી ઘણી ફિલ્મો સુપર ફ્લોપ ગઇ હતી. સોનમ કપૂર ઓટીટી પર ડેબ્યૂ કરી રહી છે અને ચાર વર્ષ બાદ ફિલ્મી પડદે પાછી આવી રહી છે. આ ફિલ્મમાં તે એક્શન કરતી અંધ યુવતીના રોલમાં જોવા મળે છે. જોકે, આ ક્રાઈમ થ્રીલરમાં રહસ્ય અને રોમાંચ ટુકડામાં વહેંચાઈ ગયું છે.

ફિલ્મની વાર્તા સ્કોટલેન્ડમાં પોલીસની નોકરી કરતી બહાદુર અને કુશળ જિયા (સોનમ કપૂર)ની છે. અનાથાશ્રમમાં ઉછરેલી જિયા પોતાના અનાથ આશ્રમમાં જે તેણે બનાવેલા ભાઈને પબમાંથી ઢસડીને ઘરે લઈ જાય છે, તે તેનો અભ્યાસ બગાડીને પબમાં સમય વેડફી રહ્યો છે. તે ક્યાંય ભાગી ના જાય એટલે તેને હાથકડી પહેરાવી દે છે. પરંતુ એ વખતે એક દુર્ઘટનામાં તે પોતાના આ ભાઈને ગુમાવે છે અને પોતે અંધ પણ થઈ જાય છે. તેણે પોતાના ભાઈ માટે ખોટી રીતે પોલીસ સત્તાનો ઉપયોગ કર્યો હોવાથી તેને નોકરી પરથી પણ કાઢી મૂકવામાં આવે છે.

જિયા પોતાને ભાઈના મોત માટે જવાબદાર માને છે. દરમિયાન શહેરમાંથી એક છોકરી ગાયબ થવાના રીપોર્ટ પણ મળી રહ્યા છે. એક રાત્રે જિયા એક કારમાં લિફ્ટ લે છે ત્યારે તેને અહેસાસ થાય છે કે, કેબ ડ્રાઈવર (પૂરબ કોહલી)ની કારની ડીકીમાં કોઈ હતું. બીજા દિવસે સમાચાર આવે છે કે, શહેરમાંથી વધુ એક છોકરી ગાયબ થઈ ગઈ છે. તેને કેબ ડ્રાઈવર પર શંકા જાય છે. તે પોલીસ ઓફિસર (વિનય પાઠક) સાથે મળીને પુરાવા શોધવા મહેનત કરે છે. કેબ ડ્રાઈવર એક સાઈકોપેથ છે, જે છોકરીઓને કિડનેપ કરીને તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. તેને ખબર પડી જાય છે કે, જિયા તેને પકડવા માટે તેની પાછળ પડી છે. હવે તે જિયાને પોતાનો શિકાર બનાવવા માગે છે અને અહીંથી જ જીવલેણ રમત શરૂ થાય છે.

ક્રાઈમ-થ્રિલર ફિલ્મોમાં સારી પકડ ધરાવતા સુજોય ઘોષ આ ફિલ્મના નિર્માતા છે એટલે તેમની પાસેથી અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. જોકે, ડાયરેક્ટર શોમ માખીજા દર્શકોને જકડી રાખવામાં નિષ્ફળ રહ્યા છે. ફિલ્મની સ્ટોરીલાઈન જબરદસ્ત છે. એક સાઈકો કિલર જ્યારે એકલી યુવતીને શિકાર બનાવવાની કોશિશ કરે છે ત્યારે ખૌફ અને ડરની અપેક્ષા રાખવી ખોટી નથી પરંતુ દિગ્દર્શક એ ભાવ કાયમ નથી રાખી શકતા. ફર્સ્ટ હાફમાં ફિલ્મની વાર્તા યોગ્ય ગતિથી આગળ વધે છે પરંતુ પછી સુસ્ત થઈ જાય છે. ફિલ્મમાં થ્રિલર એલિમેન્ટનો અભાવ છે. આ જ કારણકે બે કલાકની ફિલ્મ પણ લાંબી લાગે છે. પાત્રનો લખવામાં પણ કચાશ રહી ગઈ છે. સાઈકોપેથ પૂરબ કોહલી કેમ સીરિયલ કિલર બની જાય છે તેની કોઈ બેક સ્ટોરી નથી.

આ ફિલ્મ સોનમે પોતાના પાત્રમાં પ્રાણ ફૂંકવાના તમામ પ્રયાસ કર્યા છે. પ્રજ્ઞાચક્ષુ પોલીસ કર્મચારીની ભૂમિકામાં તેણે સારું કામ કર્યું છે. એક્શન દૃશ્યોને તેણે કુશળતાથી નિભાવ્યા છે. પૂરબ કોહલી સાઈકો કિલરના રોલમાં ચોંકાવી દેશે. ઘણીવાર તે ડરામણો પણ લાગે છે પરંતુ તેના પાત્રને યોગ્ય રીતે વિકસાવાયું નથી. વિનય પાઠક અને લિલટે દુબે જેવા સમર્થ કલાકારોને ફાળે ખાસ કંઈ કરવાનું આવ્યું નથી.

 

LEAVE A REPLY