Construction of Ram temple is underway in full swing

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે. અગાઉ ટ્રસ્ટે જાહેર કર્યું હતું કે, મંદિરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે શ્રમિકો અને ટેક્નિશિયન્સની સંખ્યા વધારાઈ છે. છેલ્લાં કેટલાક સપ્તાહમાં ટ્રસ્ટે શ્રમિકોની સંખ્યા અગાઉના 550થી વધારી લગભગ 1600 કરી છે. અત્યાર સુધી 18 કલાકની શિફ્ટમાં કામ થતું હતું, પણ હવે 24 કલાક કામ થઈ રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવતા વર્ષે જાન્યુઆરીમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ પાઠવ્યું છે. ટ્રસ્ટના એક સભ્યએ તાજેતરમાં જણાવ્યું હતું કે, આ પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં અંદાજે દસ હજાર મહેમાનોને નિમંત્રણ મોકલાશે.

રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્રસ્ટે તાજેતરમાં પત્ર લખી ઔપચારિક આમંત્રણ આપ્યું છે. તેમને 15થી24 જાન્યુઆરીની તારીખ આપવામાં આવી છે. નિશ્ચિત તારીખનો નિર્ણય વડાપ્રધાન કરશે.” આ પત્ર પર રામ મંદિર ટ્રસ્ટના મહંત નૃત્યગોપાલ દાસના હસ્તાક્ષર છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન સમારોહમાં હાજરી આપશે તો વિશ્વભરમાં દેશની છબી વધુ ઉજ્જવળ બનશે.

ઓગસ્ટ 2020માં મોદીએ અયોધ્યામાં રામ મંદિરનું ‘ભૂમિ પૂજન’ કર્યું હતું. નવ નવેમ્બર, 2019ના રોજ સુપ્રીમ કોર્ટે રામ મંદિર વિવાદ અંગે મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં વિવાદિત સ્થળ પર રામ મંદિરના નિર્માણનો આદેશ અપાયો હતો. સમારોહમાં હાઇ-પ્રોફાઇલ મહેમાનોની હાજરીને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ અત્યારથી જડબેસલાક પણ મહેમાનો માટે અનુકૂળ સુરક્ષા વ્યવસ્થાની તૈયારી શરૂ કરી છે. વીઆઇપી ઉપરાંત, અયોધ્યાના વહીવટી તંત્રને સમારોહના દિવસે ભક્તોની ભારે ભીડ જામવાની ધારણા છે.

LEAVE A REPLY

3 × one =