વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અંગે હિન્દુ અને મુસ્લિમો પક્ષ વચ્ચે કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજે આગળ આવવું જોઈએ અને “ઐતિહાસિક ભૂલ”નો ઉકેલ આપવો જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે હિન્દુ પક્ષનો દાવો છે કે ઔરંગઝેબે 1669માં જૂના શિવ મંદિરને તોડીને મસ્જિદ બનાવી હતી. તેથી મુસ્લિમોએ ત્યાં ફરી શિવાલય બનાવવા માટે મંજૂરી આપી જોઇએ.
હાલમાં અલ્હાબાદ હાઈકોર્ટ મસ્જિદ કમિટીની અરજી પર સુનાવણી કરી રહી છે, જેમાં મસ્જિદ સંકુલની અંદર સરવે કરવાના નીચલી હાઇકોર્ટના આદેશ સામે સ્ટે મૂકવાની માગણી કરાઈ છે. આ અંગે 3 ઓગસ્ટે ચુકાદો આવવાની ધારણા છે.
જ્ઞાનવાપીના મુદ્દે ભાજપના કોઇ નેતાનું આ પ્રથમ નિવેદન છે. એક ઇન્ટરવ્યૂમાં યોગીએ જણાવ્યું હતું કે “જો આપણે તેને મસ્જિદ કહીશું, તો વિવાદ થશે. મને લાગે છે કે જેને ભગવાને દૃષ્ટિ આપી છે તે વ્યક્તિએ જોવું જોઈએ. ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે. અમે તેને ત્યાં મૂક્યું નથી. ત્યાં એક જ્યોતિર્લિંગ છે, દેવો પ્રતિમા છે. દિવાલો ચીસો પાડી રહી છે અને કંઈક કહી રહી છે. મને લાગે છે કે મુસ્લિમ સમાજ તરફથી એવો પ્રસ્તાવ હોવો જોઈએ કે એક ઐતિહાસિક ભૂલ થઈ છે અને અમારે ઉકેલ લાવવની જરૂર છે” યોગીના આ નિવેદનથી રાજકીય ગરમી વધી હતી. એવું માનવામાં આવે છે કે ભાજપ અયોધ્યા પછી હવે કાશીની જ્ઞાનવાપી મુસ્જિદનો મુદ્દો ઉઠાવી શકે છે.