ભારતમાં કાશ્મીરી પંડિતો પર અત્યાચાર અને પલાયનની ઘટના પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું નવું વર્ઝન ‘ધ કાશ્મીર ફાઇલ્સ અનરીપોર્ટેડ’નું ટ્રેલર તાજેતરમાં લોંચ કરવામાં આવ્યું હતું. વિવેક અગ્નિહોત્રીએ બનાવેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માર્ચ 2022માં રિલીઝ થઈ ત્યારે તેને પ્રોપેગેન્ડા ગણાવીને તેની ટીકા કરવામાં આવી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે જોરદાર સફળતા મેળવી હતી. એ સમયે વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે તેઓ કાશ્મીર ફાઇલ્સ માટે કરેલા રીસર્ચ, આર્કાઇવલ ફૂટેજ અને ઇન્ટરવ્યુ પરથી સીરિઝ બનાવશે. આ સિરીઝ ડોક્યુમેન્ટ્રી પ્રકારની છે.
ઝી 5 પર સાત એપિસોડમાં સ્ટ્રીમ થનારી આ સિરીઝમાં 1990નાં દાયકામાં કાશ્મીરની ઐતિહાસિક, વંશીય, રાજકીય સ્થિતિ અને કાશ્મીરી પંડિતોની સામૂહિક હિજરત માટે જવાબદાર ભૂલો, ગુનાઓ અને સંજોગોનું ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે.
વિવેક અગ્નિહોત્રીએ દાવો કર્યો હતો કે, “કાશ્મીર ફાઇલ્સ અનરીપોર્ટેડ એક પ્રકારની નેશનલ આર્કાઇવ છે, જે ભવિષ્યમાં મેકર્સ માટે ડોક્યુમેન્ટ તરીકે કામમાં આવશે. સિરીઝમાં ઇતિહાસવિદો, નિષ્ણાતો, વાસ્તવિક જીવનનાં પીડિતો અને તેમનાં પરિવારજનો સાથેની મુલાકાતો રજૂ કરવામાં આવી છે. અમે ઇતિહાસવિદો, આર્મી, પોલીસ કર્મચારીઓ, કાશ્મીરી પંડિતોને મળીને વીડિયો રેકોર્ડ કર્યા હતા, જે આ સીરિઝમાં રજૂ કરવામાં આવ્યા છે.” રિસર્ચનાં ભાગરૂપે વિવેક અગ્નિહોત્રી અને તેમની ટીમે કાશ્મીરમાં સત્તાવાળાઓ સાથે વાતચીત કરી હતી. સંસદનો રેકોર્ડ, આર્કાઇવ્સ, પુસ્તકો, અખબારો, ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટ્રી અને વિડીયોઝની ચકાસણી કરી હતી. તેમણે એ વખતે કાશ્મીરમાં બનેલી ઘટનાઓને કવર કરનાર પત્રકારો સાથે પણ મુલાકાત કરી હતી.