તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો શૈલેષ લોઢા (ડાબી બાજુ), ગુરુચરણ સિંહ, દિલીપ જોશી (મધ્ય), મયૂર વાકાણી અને દિશા વાકાણી (ફાઇલ ફોટો) Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

લોકપ્રિય ટીવી શ્રેણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીના પાત્રમાં દિશા વાકાણીને પરત લાવવા માટે પ્રયત્નશીલ છે અને તેનું સકારાત્મક પરિણામ આવશે તેવો આશાવાદ નિર્માતા આસિતકુમાર મોદીએ વ્યક્ત કર્યો છે. અંદાજે 10 વર્ષ સુધી શોમાં દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણી 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી. પછી તેણે શોના એક એપિસોડમાં કેમિયો પણ કર્યો હતો. ત્યાર પછી તે ક્યારેય તેમાં જોવા મળી નથી. દિશા અત્યારે બે બાળકોની માતા છે અને પારિવારિક જિંદગી માણી રહી છે. આ તરફ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સે દયાભાભીના પાત્રમાં નવી અભિનેત્રીને લેવાની તૈયારી કરી હોવાનું કહેવાય છે.

આ અંગે આસિત મોદીએ મીડિયાને કહ્યું હતું કે, “અમે એક-બે મહિનામાં દયાબેનને પાછા લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. આ પાત્રને ફરીથી દર્શકોની વચ્ચે લાવવા માટે હું પૂરતા પ્રયાસ કરી રહ્યો છું. દર્શકો તેમના મનપસંદ પાત્ર દયાબેનને શોમાં જોવા માટે ખાસ્સા સમયથી રાહ જોઈ રહ્યા છે. કોઈ પાત્ર માટે કાસ્ટિંગ કરવું સરળ નથી હોતું અને કોઈપણ અભિનેત્રી માટે દિશાની જગ્યા લેવી સરળ નહીં હોય. એ પાત્ર ભજવવા માટે કોઈ શાનદાર કલાકાર જોઈશે.”

શું દિશા આ રોલમાં પાછી ફરીથી જોવા મળે તેવી કોઈ સંભાવના છે? તેવા પ્રશ્નના ઉત્તરમાં નિર્માતાએ જણાવ્યું હતું કે, “મેં જીવનમાં હંમેશા હકારાત્મક વલણ રાખ્યું છે. કહેવાય છે ને કે કંઈપણ શક્ય છે. દિશા શોમાં પાછી આવશે તે આશા સાથે મેં દયાભાભીના પાત્ર માટે ઓડિશન શરૂ કર્યા છે. દિશા અત્યારે પોતાના પરિવાર સાથે સુખદ સમય વિતાવી રહી છે અને તેણે શોમાં જે ફાળો આપ્યો છે તેના માટે મને માન છે.”

આસિત મોદીએ વાત પૂર્ણ કરતાં કહ્યું કે, “દયાભાભીને લાવવા પડશે અને પોપટલાલના લગ્ન વિશે વિચારવું પડશે. મને લાગે છે કે અત્યારે મારા માટે આ બે મોટા પડકારો છે.” ઉલ્લેખનીય છે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના તાજેતરમાં જ 15 વર્ષ પૂર્ણ થયા છે. આ શોની શરૂઆત 28 જુલાઈ 2008માં થઈ હતી. દિલીપ જોષી, મુનમુન દત્તા, અમિત ભટ્ટ, મંદાર ચાંદવાડકર, સોનાલિકા જોષી વગેરે જેવા પાત્રો શોમાં શરૂઆતથી જ જોડાયેલા છે. જ્યારે ભવ્ય ગાંધી, નિધિ ભાનુશાળી, શૈલેષ લોઢા, ગુરુચરણ સિંહ, જેનિફર મિસ્ત્રી બંસીવાલ વગેરે જેવા કલાકારોએ શો છોડી દીધો છે.

LEAVE A REPLY

two × two =