26 વર્ષ પહેલાં પેરિસમા એક કાર અકસ્માતમાં પ્રિન્સેસ ડાયનાની સાથે માર્યા ગયેલા ડોડી અલ ફાયેદના બિલિયોનેર પિતા મોહમ્મદ અલ ફાયેદનું 94 વર્ષની વયે અવસાન થયું હતું. પારિવારિક સમાધિમાં પુત્ર ડોડી અલ ફાયેદની સાથે દફનાવતા પહેલાં રીજન્ટ્સ પાર્ક સ્થિત લંડન સેન્ટ્રલ મસ્જિદમાં તેમના ઇસ્લામિક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
તેમના યુકે-સ્થિત પરિવારે શુક્રવારે તેમના મૃત્યુની ઘોષણા કરતાં જણાવ્યું હતું કે અલ ફાયેદનું વૃદ્ધાવસ્થામાં જ 30 ઓગસ્ટના રોજ શાંતિપૂર્ણ અવસાન થયું હતું. લંડનના આઇકોનિક હેરોડ્સ રિટેલ સ્ટોરના ભૂતપૂર્વ માલિક અલ ફાયદ તેની પત્ની હેની સાથે સરેમાં આવેલ મેન્શનમાં રહેતા હતા.
ઇજિપ્તમાં જન્મેલા ફાયદ પેરિસમાં રિટ્ઝ હોટેલ અને અન્ય બિઝનેસીસ સાથે 16 વર્ષ સુધી ફુલહામ ફૂટબોલ ક્લબના માલિક પણ રહી ચૂક્યા હતા. અલ ફાયદ ઇજિપ્તમાં વતન એલેક્ઝાન્ડ્રિયાની શેરીઓમાં ફિઝી ડ્રિંક્સ વેચીને બિઝનેસમાં મોટું નામ બન્યા હતા અને 1970ના દાયકામાં યુકેમાં આવતા પહેલા મધ્ય પૂર્વમાં પોતાનું બિઝનેસ સામ્રાજ્ય બનાવ્યું હતું. જો કે, બ્રિટિશ નાગરિકતા મેળવવાનું તેમનું સ્વપ્ન ક્યારેય સાકાર થયું ન હતું.
31 ઓગસ્ટ, 1997ના રોજ કાર અકસ્માતમાં પુત્ર ડોડી અને તેની ગર્લફ્રેન્ડ મનાતા લેડી ડાયેના, તત્કાલીન પ્રિન્સેસ ઓફ વેલ્સના મૃત્યુ પામ્યા પછી, અલ ફાયદના જીવનમાં એક અલગ વળાંક આવ્યો હતો. તેમણે ખુલ્લેઆમ રાજવી પરિવારને આ મોત માટે દોષી ઠેરવ્યો હતો અને તેના કાવતરાની થીયરી જાહેર કરી સીક્યુરીટી એજન્સીઝે આ દુર્ઘટનાનું આયોજન કર્યું હતું તેવો આક્ષેપ કર્યો હતો.