જી-20 લીડર્સ સમીટમાં શનિવારે સર્વસંમતીથી એક ઘોષણાપત્ર જાહેર કરાયું. યુક્રેન મુદ્દે વિશ્વ વિભાજિત છે ત્યારે આ સંયુક્ત ઘોષણાપત્ર જી-20ના અધ્યક્ષ તરીકે ભારતની મોટી સફળતા ગણી શકાય છે. તેમાં યુક્રેનમાં યુદ્ધ માટે રશિયાની નિંદા કરવાનું ટાળવામાં આવ્યું હતું, પરંતુ તમામ દેશોને બીજા દેશોના પ્રદેશ કબજે કરવા માટે બળનો ઉપયોગ કરવાથી દૂર રહેવા હાકલ કરવામાં આવી હતી. તેનાથી રશિયા સાથે ભારતની મિત્રતા પણ જળવાઈ રહી હતી. ભારતની દરખાસ્તને પગલે આફ્રિકન યુનિયનને પણ જી20નું કાયમી સભ્યપદ આપવામાં આવ્યું હતું.
યજમાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે સમીટના પ્રથમ દિવસે નેતાઓએ ઘોષણાપત્ર અપનાવ્યું છે. આ સર્વસંમતિ આશ્ચર્યજનક હતી, કારણ કે જી-20 દેશોમાં યુક્રેન યુદ્ધને મુદ્દે તીવ્ર મતભેદો હતા. પશ્ચિમી રાષ્ટ્રોના નેતાઓએ ઘોષણાપત્રમાં રશિયાની સખત નિંદા માટે દબાણ કર્યું હતું, પરંતુ અન્ય દેશોએ વ્યાપક આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની માંગ કરી હતી.
ઘોષણાપત્રમાં જણાવાયું હતું કે અમે તમામ દેશોને પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ, આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો તથા બહુપક્ષીય વ્યવસ્થા સહિત આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોને સમર્થન આપવા માટે આહ્વાન કરીએ છીએ. અમે … યુક્રેનમાં વ્યાપક, ન્યાયી અને ટકાઉ શાંતિને સમર્થન આપતી તમામ સંબંધિત અને રચનાત્મક પહેલોનું સ્વાગત કરીએ છીએ. પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અથવા ઉપયોગની ધમકી અસ્વીકાર્ય છે.
ઘોષણામાં યુક્રેન અને રશિયાથી અનાજ, ખાદ્ય અને ખાતરના સુરક્ષિત સપ્લાય માટે બ્લેક સી ઇનિશિયેટિવના અમલીકરણ માટે પણ કહેવામાં આવ્યું હતું. મોસ્કો જુલાઈમાં આ કરારમાંથી બહાર નીકળી ગયું હતું. રશિયાએ જણાવ્યું હતું કે તેના પોતાના ફૂડ અને ખાતરની નિકાસ માટેના નિયમો હળવા કરવાના સમાંતર કરારને અમલમાં મૂકવાની તેની માંગણીઓને પૂર્ણ કરાઈ નથી.
મોદીએ જણાવ્યું હતું કે તમામ ટીમોની સખત મહેનતના આધારે અમને G20 લીડર્સ સમિટ ઘોષણાપત્ર પર સર્વસંમતિ મળી છે. હું આ ઘોષણાને અપનાવવાની જાહેરાત કરું છું.
યુક્રેન યુદ્ધ અંગેના અલગ-અલગ મંતવ્યોને કારણે આ વર્ષે અત્યાર સુધી ભારતના G20 પ્રમુખપદ દરમિયાન પ્રધાનસ્તરની બેઠકોમાં એક પણ સંયુક્ત નિવેદન જારી થયું ન હતું.
ઘોષણાપત્રમાં ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો પર દેવાના જોખમના મુદ્દાનો “અસરકારક, વ્યાપક અને વ્યવસ્થિત રીતે” ઉકેલ લાવવા માટે સંમતી સધાઈ હતી, પરંતુ કોઈ નવી કાર્ય યોજના જાહેર થઈ ન હતી. તેમાં જણાવાયું હતું કે બહુરાષ્ટ્રીય વિકાસ બેન્કોને મજબૂત બનાવવા અને તેમાં સુધારા કરવા માટે દેશો પ્રતિબદ્ધ છે. વૈશ્વિક નેતાઓએ ક્રિપ્ટોકરન્સીના કડક નિયમોની દરખાસ્ત પણ સ્વીકારી હતી. એનર્જી ટ્રાન્ઝિશન અંગે કહેવામાં આવ્યું હતું કે વિશ્વને એનર્જી ટ્રાન્ઝિશન માટે વાર્ષિક ધોરણે કુલ 4 ટ્રિલિયન ડોલરના નીચા ખર્ચના ફાઇનાન્સની જરૂર છે. તેમાં કોલસા આધારિત વીજળીના ઉપયોગને તબક્કાવાર ધોરણે બંધ કરવાની હાકલ કરાઈ હતી
ભારતના વિદેશ પ્રધાન સુબ્રહ્મણ્યમ જયશંકરે જણાવ્યું હતું કે રશિયાનો મુખ્ય સાથીદાર ચીન આ નિષ્કર્ષનું સમર્થન કરે છે. વિવિધ દ્રષ્ટિકોણ અને હિતો હતાં, પરંતુ અમે તમામ મુદ્દાઓ પર એકસમાન આધાર શોધી શક્યા છીએ.