cvxc
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે નવી દિલ્હીમાં G20 સમિટ દરમિયાન અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને મળ્યા હતા. (ANI Photo)

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના કાયમી સભ્યપદ માટે ભારતના દાવાને ફરી સમર્થન આપ્યું હતું. નવી દિલ્હીમાં G20 સમિટની સત્તાવાર શરૂઆત પહેલા, શુક્રવાર 8 સપ્ટેમ્બરે બાઇડને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.

બાઇડને 2028-29માં યુએનએસસીની બિન-કાયમી બેઠક માટે ભારતની ઉમેદવારીનું પણ સ્વાગત કર્યું હતું. બાઇડનનું આ નિવેદન રૂટિન લાગે છે, કારણ કે અમેરિકા અગાઉ પણ સમર્થન જાહેર કરી ચુક્યું છે. જોકે વિવિધ વર્ગના તાજેતરના નિવેદનો અને બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા માટે G20 પ્રમુખ તરીકે ભારતના જોરદાર દબાણના સંદર્ભમાં આ વખતે બાઇડનના સમર્થનનું વિશેષ મહત્ત્વ છે.

વ્હાઇટ હાઉસના નિવેદન મુજબ મોદી અને યુએસ પ્રમુખ બાઇડન આધુનિક વિશ્વની વાસ્તવિકતાઓને વધુ સારી રીતે રજૂ કરવા માટે બહુપક્ષીય સંસ્થાઓને મજબૂત કરવા અને તેમાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નેતાઓએ યુએન સિક્યુરિટી કાઉન્સિલની સભ્યપદની કાયમી અને અસ્થાયી શ્રેણીઓને વિસ્તૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

અગાઉ, જૂનમાં, બાઇડને UNSCમાં કાયમી સભ્ય તરીકે ભારતના સમાવેશ વિશે વાત કરી હતી. નેતાઓએ વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેન બનાવવા તરફના તેમના સમર્થનની પુનઃ પુષ્ટિ પણ કરી હતી.

આ ઉપરાંત પ્રેસિડન્ટ બાઇડને ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણની સાથે ચંદ્રયાન-3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઐતિહાસિક ઉતરાણ પર પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ માટે ભારત સૌથી પ્રબળ દાવેદાર છે. જોકે ભારતના દાવાનો સૌથી વધુ વિરોધ ચીન કરે છે. હાલમાં, UNSCમાં પાંચ કાયમી અને 10 અસ્થાયી સભ્યો છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) દ્વારા અસ્થાયી સભ્યોને બે વર્ષની મુદત માટે ચૂંટવામાં આવે છે. પાંચ સ્થાયી સભ્યો રશિયા, યુકે, યુએસ, ચીન અને ફ્રાન્સ છે. સ્થાયી સભ્યો પાસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રજૂ કરાયેલા કોઈપણ ઠરાવને વીટો કરવાની સત્તા છે. ભારત ઉપરાંત બ્રાઝિલ, જર્મની અને જાપાને પણ યુએનએસસીના સ્થાયી સભ્યો તરીકે તેમના સમાવેશની માંગ કરી છે.

 

 

LEAVE A REPLY

ten − 8 =