(Photo by Clive Brunskill/Getty Images)

ન્યૂ યોર્કના ફ્લશિંગ મેડોઝ ખાતે ગયા સપ્તાહે પુરી થયેલી 2023ના વર્ષની છેલ્લી ગ્રાંડ સ્લેમ ટેનિસ સ્પર્ધા – યુએસ ઓપનમાં સર્બિયાનો નોવાક યોકોવિચ અને અમેરિકાની જ કોકો ગોફ અનુક્રમે પુરૂષો અને મહિલા સિંગલ્સના ચેમ્પિયન રહ્યા હતા. ગયા વર્ષના પુરૂષોના ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝનો સેમિફાઈનમાં અને મહિલા ચેમ્પિયન ઈગા સ્વીઆટેકનો તો ચોથા રાઉન્ડમાં જ પરાજય થયો હતો. 

યોકોવિચ માટે આ તેનું 24મું ગ્રાંડ સ્લેમ અને યુએસ ઓપનનું ચોથું ટાઈટલ રહ્યું. સોમવારની ફાઈનલમાં યોકોવિચે રશિયાના ડાનિલ મેડ્વેડેવને સંઘર્ષ ભર્યા મુકાબલામાં 6-3, 7-6, 6-3થી હરાવ્યો હતો. આ અગાઉ, યોકોવિચ 2011, 2015 અને 2018માં યુએસ ઓપન ચેમ્પિયન રહ્યો હતો.  

કોકો ગોફ મહિલા ચેમ્પિયનઃ તો મહિલા સિંગલ્સમાં રવિવારે રમાયેલી ફાઈનલમાં અમેરિકાની ટીનેજર, 19 વર્ષની કોકો ગોફે પણ એક સંઘર્ષપૂર્ણ જંગમાં બેલારૂસની આર્યાના સબાલેન્કાને 2-6, 6-3, 6-2થી હરાવી પોતાનું પ્રથમ યુએસ ઓપન ટાઈટલ હાંસલ કર્યું હતું. સેરેના વિલિયમ્સ પછી કોકો સૌથી નાની વયની ચેમ્પિયન બની છે. 

રોહન બોપન્ના રેકોર્ડ સાથે રનર્સ-અપઃ ભારતનો રોહન બોપન્ના યુએસ ઓપનની પુરૂષોની ડબલ્સમાં ફાઈનલમાં પહોંચેલો સૌથી વધુ વયનો ખેલાડી બન્યો હતો. જો કે, ફાઈનલમાં બોપન્ના અને તેના સાથી ઓસ્ટ્રેલિયન મેથ્યુ એબ્ડેન અમેરિકાના રાજીવ રામ અને બ્રિટનના જો સેલિસબરી સામે રસાકસી પછી 2-6, 6-3, 6-4થી હારી ગયા હતા. રાજીવ રામ અને જો સેલિસબરીએ પણ ટાઈટલ સાથે એક વિશિષ્ટ રેકોર્ડ કર્યો હતો. આ અમેરિકન – બ્રિટિશ જોડી માટે યુએસ ઓપન પુરૂષોની ડબલ્સનું આ સતત ત્રીજું ટાઈટલ હતું, જે સો વર્ષ કરતાં પણ વધુનો રેકોર્ડ છે.

રોહન બોપન્ના 13 વર્ષ પછી યુએસ ઓપનની ફાઈનલમાં પહોંચ્યો હતો.  

કઝાખસ્તાનની અન્ના ડાનિલિના અને ફિનલેન્ડના હેરી હેલીઓવારાએ મિક્સ્ડ ડબલ્સની ફાઈનલમાં અમેરિકાની જોડી જેસિકા પેગુલા અને ઓસ્ટિન ક્રાજિસેકને સીધા સેટ્સમાં 6-3, 6-4થી આસાનીથી હરાવી તાજ હાંસલ કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ ચેમ્પિયન જોડીનો મિલાપ ટુર્નામેન્ટ શરૂ થયાના ફક્ત એક સપ્તાહ પહેલા જ થયો હતો. 

મહિલા ડબલ્સમાં કેનેડાની ગેબ્રિએલા ડેબ્રોવ્સ્કી અને ન્યૂઝીલેન્ડની એલીના રૂટલીફે ભૂતપૂર્વ ચેમ્પિયન્સ – જર્મનીની લોરા સીગ્મન્ડ અને રશિયાની વેરા વોનારેવાને 7-6(9), 6-3થી ફાઈનલમાં હરાવી ટાઈટલ હાંસલ કર્યું હતું.  

LEAVE A REPLY