(ANI Photo)

એશિયા કપમાં સોમવારે કોલંબોમાં સુપર-4 સ્ટેજની મેચમાં ભારતે પાકિસ્તાન સામે 356 રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો. વિરાટ કોહલી (અણનમ 122) અને કેએલ રાહુલ (111)ની સદીઓ સાથે ટીમ ઈન્ડિયાને 50 ઓવરમાં 2 વિકેટે 356 રન બનાવ્યા હતાં. શુભમન ગિલ અને રોહિત શર્માએ અનુક્રમે 58 અને 56 રન બનાવ્યાં હતાં. પાકિસ્તાન તરફથી શાદાબ ખાન અને શાહીન આફ્રિદીએ એક-એક વિકેટ લીધી હતી.

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ પાકિસ્તાનની બોલારોની ધોલાઈ કરીને સદી ફટકારી હતી. કોહલીએ 84 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. લોકેશ રાહુલે પણ ઈજામાંથી કમબેક કરતાં સદી ફટકારી હતી.

વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 47મી સદી છે. કોહલી ઈનિંગ્સના અંત સુધી અણનમ રહ્યો અને તેણે 122 રનની ઈનિંગ્સ રમી હતી. કોહલીએ 94 બોલનો સામનો કરતા નવ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી. લોકેશ રાહુલ 106 બોલમાં 111 રન નોંધાવીને નોટ આઉટ રહ્યો હતો. બંનેએ 233 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી.
વન-ડે ક્રિકેટમાં પોતાની 47મી સદી સાથે વિરાટ કોહલીએ સૌથી ઝડપી 13,000 રન નોંધાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. કોહલીએ 276 ઈનિંગ્સમાં 13,000 રન પૂરા કર્યા છે અને તે સૌથી ઓછી ઈનિંગ્સમાં 13,000 પૂરા કરનારો બેટ્સમેન બની ગયો છે. તેને સચિન તેંડુલકરના રેકોર્ડને તોડ્યો હતો. સચિને 321 વન-ડે ઈનિંગ્સમાં આ સિદ્ધિ નોંધાવી હતી.

આટલું જ નહીં વિરાટ કોહલીએ કોલંબોના પ્રેમદાસા મેદાન પર સતત ચોથી સદી ફટકારવાની સિદ્ધિ પણ મેળવી હતી. આ મામલે કોહલીએ દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન હાશિમ અમલાની બરાબરી કરી લીધી છે. તેણે સેન્ચુરિયન મેદાન પર વન-ડેમાં સળંગ ચાર સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. વન-ડેમાં સૌથી વધુ સદી સચિન તેંડુલકરના નામે છે. તેણે 49 સદી ફટકારી છે જ્યારે કોહલીએ 47 સદી ફટકારી છે.

રોહિત શર્મા અને શુભમન ગિલે ઈનિંગ્સની શરૂઆત કરી અને 121 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્મા 56 રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે શુભમન ગિલ 58 રન નોંધાવીને આઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલી અને લોકેશ રાહુલે બેટિંગ કરી અને બંનેએ જોરદાર બેટિંગ કરી હતી. મેચ રવિવારે રમાઈ હતી પરંતુ વરસાદના કારણે અધવચ્ચે રમત બંધ કરી દેવી પડી હતી. જેના કારણે સોમવારે રિઝર્વ-ડેએ મેચ રમાઈ જેમાં ભારતે 50 ઓવરમાં બે વિકેટે 356 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

LEAVE A REPLY

2 × 5 =