16 વર્ષનો ટીનેજર રોહન ગોધાનિયાનું હાઈ પ્રોટીન ડ્રિંકનું સેવન કર્યા પછી મૃત્યુ થયા બાદ પ્રોટીન શેકના પેકેજ પર આરોગ્યની ચેતવણીઓ હોવી જોઈએ એમ એક કોરોનરે કહ્યું છે.
મિલ્ટન કીન્સના વરિષ્ઠ કોરોનર ટોમ ઓસ્બોર્ને જણાવ્યું હતું કે ‘’મેં પ્રોટીન ઉત્પાદનોના લેબલ પર ચેતવણીઓ મૂકવાની ભલામણ કરવા NHS ઈંગ્લેન્ડ અને ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સીને પત્ર લખ્યો છે. 16થી 18 વર્ષની વયના કિશોરોના યોગ્ય વર્ગીકરણ અંગે સમગ્ર NHSમાં સ્પષ્ટતા અને સાતત્યપૂર્ણ માર્ગદર્શનનો અભાવ જણાય છે.”
ઓસ્બોર્ને તે વય જૂથ માટે સારવાર પ્રોટોકોલ માટે NHS ઈંગ્લેન્ડની તાત્કાલિક સમીક્ષાની હાકલ કરી હતી. NHS ઈંગ્લેન્ડ અને વ્હાઇટહોલ એજન્સીએ 2 ઓક્ટોબર સુધીમાં કોરોનરને જવાબ આપવો પડશે. ટીનએજર અને યુવાનોમાં શરીરના સ્નાયુ બનાવવા માટે મોટાપાયા પર પ્રોટીન પાઉડર અને શેકનો ઉપયોગ કરાય છે. પરંતુ તેના પર કોઇ માર્ગદર્શન – ચેતવણીઓ ન હોવાથી તેઓ ભોગ બને છે.
રોહન લોકપ્રિય ફીડ સપ્લીમેન્ટ પીધા પછી બીમાર થઈ ગયો હતો અને ઓર્નિથાઈન ટ્રાન્સકાર્બામીલેઝની ઉણપથી મૃત્યુ થયું હતું. તે લોહીમાં એમોનિયાનું નિર્માણ કરે છે જે પ્રોટીનના પાચન બાદ બનેલો કચરો છે. આ સ્થિતિ એમોનિયાને ઝેરી સ્તર સુધી એકઠો થવા દે છે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે. હોસ્પિટલમાં આ સ્થિતીની અવગણના કરવામાં આવી હતી.