કેનેડા જેવો વિકસિત દેશ ત્રાસવાદના મુદ્દે ભારત માટે બીજું પાકિસ્તાન બની રહ્યો છે. તેનું કારણ પણ તેના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો છે. ટ્રુડો છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાન સમર્થકોને જે રીતે પંપાળે છે તેનાથી સૌને આશ્ચર્ય થયું છે.
2021ની ચૂંટણી પછી જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીએ જગમીત સિંહની એનડીપીના ટેકાથી સરકાર બનાવી હતી. હવે સ્થિતિ એવી છે કે ટ્રુડોની સરકારનું અસ્તિત્વ જ જગમીતના ટેકા પર આધારિત છે. તેથી જગમીત સિંહના હાથમાં અત્યારે ટ્રુડોનો દોરીસંચાર છે. જગમીત સિંહ ખાલિસ્તાની પોલિટિક્સનો પહેલેથી ટેકેદાર રહ્યો છે.
જગમીત મૂળભૂત રીતે એક વકીલ છે અને વર્ષ 2017માં તે એનડીપીના લીડર તરીકે ચૂંટાયા હતા. હાલમાં તેમની ઉંમર 44 વર્ષ છે. તેઓ ઘણા વર્ષથી ધારાસભ્ય છે અને હવે કેનેડામાં કોઈ મહત્ત્વની રાજકીય પાર્ટીના વડા તરીકે નોન-વ્હાઈટ રાજકારણીની પસંદગી થઈ હોય તેવું પહેલી વખત બન્યું છે. એનડીપી એ કેનેડામાં ત્રીજા ક્રમની સૌથી મોટી પાર્ટી છે.
જગમીતનો જન્મ ઓન્ટારિયોમાં 1979માં થયો હતો. તેના માતાપિતા પંજાબથી કેનેડા આવ્યા હતા. તેણે 2001માં વેસ્ટર્ન ઓન્ટારિયો યુનિવર્સિટીમાંથી બાયોલોજીમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી અને ત્યાર પછી 2005માં લોની ડિગ્રી મેળવી હતી. તે રાજકારણમાં પ્રવેશ્યો તે અગાઉ ગ્રેટર ટોરન્ટોમાં ક્રિમિનલ ડિફેન્સ લોયર તરીકે કામ કરતો હતો.
જગમીત સિંહના ભારત વિરોધી વલણ વિશે શરૂઆતમાં કોઈને ખબર ન હતી. બહુ ઓછા લોકો જાણે છે કે 2013માં તેને ભારત આવવું હતું પરંતુ ઉગ્રવાદીઓ સાથે તેના સંબંધોના કારણે ભારતે વિઝા આપ્યા ન હતા. ચૂંટણી જીત્યા પછી તેને પૂછવામાં આવ્યું કે એર ઈન્ડિયાનું વિમાન બોમ્બથી ઉડાવી દેવાના કેસના આરોપીના ફોટા ગુરુદ્વારામાં રાખવામાં આવે તે યોગ્ય ગણાય કે નહીં? ત્યારે જગમીતે તેનો જવાબ ‘ના‘માં આપ્યો ન હતો. તેના બદલે તેણે કહ્યું કે વિમાનમાં બોમ્બ મુકવા માટે કોણ જવાબદાર હતા તે હું જાણતો નથી.