સંસદમાં સરકારના ટૂંકા ગાળાના ખર્ચ અંગેના બિલ અંગે મડાગાંઠ સર્જાઈ હોવાથી અમેરિકા આ સપ્તાહે ફરી એકવાર શટડાઉનની અણી પર છે. બાઇડન સરકારના વિવિધ વિભાગો અને એજન્સીઓએ બિનજરૂરી કામગીરીને અટકાવી દેવા માટેની યોજનાઓ ઘડવાની શરૂ કરી દીધી છે. અમેરિકાની સરકારની આવશ્યક સિવાયની તમામ કામગીરી અટકી જશે. ખર્ચ બિલને મંજૂરી માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે. આ પછી શટડાઉન ચાલુ થઈ શકે છે.
વોશિંગ્ટનમાં કેટલાંક બજેટ બિલોની ચર્ચા થઈ રહી છે, પરંતુ ડેમોક્રેટની બહુમતી સેનેટ અને રિપબ્લિકન નિયંત્રિત હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ બંનેમાં તેને મંજૂરી માટે પૂરતા મત મળ્યાં નથી.
સરકારના દરેક વિભાગ અને એજન્સી પાસે શટડાઉન માટે તેની પોતાની યોજનાઓ અને પ્રક્રિયાઓનો હશે. કેટલાં કર્મચારીઓને રજા પર ઉતારી દેવામાં આવશે, ક્યાં કર્મચારીઓ આવશ્યક સેવાઓ માટે જરૂરી છે, કામગીરીને અટકાવી દેવા માટે કેટલો સમય લાગશે તેની વિગતો તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારની કઈ કઈ કામગીરી અટકી જશે તેની પણ યોજના ઘડાઈ ગઈ છે.
ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટે શુક્રવારે વરિષ્ઠ એજન્સી અધિકારીઓને શટડાઉન યોજનાઓને અપડેટ કરવા અને સમીક્ષા કરવાની યાદ અપાવી હતી. જો સંસદ ટૂંકા ગાળાના ખર્ચનું બિલ પસાર કરવામાં નિષ્ફળ જશે તો શટડાઉનથી તમામ અમેરિકનોને ભારે અસર થશે. હવાઈ મુસાફરીથી લઈને પીવાના સ્વચ્છ પાણી સુધીના ક્ષેત્રોમાં ભારે અસર થઈ શકે છે.
સીએનએનના રીપોર્ટ મુજબ અમેરિકની સરકારમાં આશરે 40 લાખ કર્મચારીઓ છે. આ કર્મચારીઓને તાકીદે અસર થશે. આવશ્યક કામદારો નોકરી પર રહેશે, પરંતુ બીજા તમામ કર્મચારીઓને રજા પર ઉતારી દેવાશે. આ સમયગાળા માટે કર્મચારીઓને વેતન મળશે નહીં. તેનાથી ઘણા કર્મચારીઓને નાણાકીય સંકટમાં ફસાશે. અગાઉ 2018-10માં વિક્રમજનક 35 દિવસ સુધી સંસદમાં સરકારના ખર્ચ બિલને મંજૂરી મળી ન હતી.