(ANI Photo)
બોલીવૂડની જૂની પેઢીના ફિલ્મકાર ફિરોઝ ખાનના પુત્ર અને ચોકલેટી અભિનેતા ફરદિન ખાને 2010ના વર્ષ પછી કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી. ફરદિને 13 વર્ષે કમબેક કરતાની સાથે જ ત્રણ ફિલ્મો મેળવી લીધી છે. સંજય ગુપ્તા ‘વિસ્ફોટ’નું પ્રોડક્શન કરવાના છે.
તેમાં ફરદિનની સાથે રિતેશ દેશમુખ, પ્રિયા બાપટ, ક્રિસ્ટલ ડિસોઝા પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ સાથે જ સંજય લીલા ભણસાળીની વેબસિરીઝ હીરામંડીમાં પણ ફરદિન હોવાનું કહેવાય છે. ફરદિનના કમબેક પ્રોજેક્ટ્સમાં અક્ષયકુમાર સાથેની ફિલ્મ ઉમેરાઈ છે. અક્ષય અને ફરદિન 16 વર્ષ બાદ કોમેડી ફિલ્મમાં સાથે કામ કરશે. હજુ સુધી ફરદિન ખાનની એક પણ નવી ફિલ્મ રિલીઝ થઇ નથી, પરંતુ તેની પાસે અત્યારે ત્રણ પ્રોજેક્ટ્સ છે.
ફરદિન અને અક્ષયે અગાઉ 2007ના વર્ષમાં કોમેડી ફિલ્મ હે બેબીમાં સાથે કામ કર્યું હતું. હેપ્પી ભાગ જાયેગી અને પતિ, પત્ની ઔર વોહ જેવી ફિલ્મો બનાવનારા ડાયરેક્ટર મુદસ્સર અઝીઝની નવી ફિલ્મને ખેલ ખેલ મૈં…નામ આપવામાં આવ્યું હોવાની ચર્ચા છે.
તેમાં અક્ષય-ફરદિન સાથે જોવા મળશે. ફિલ્મની સ્ટોરી અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, જૂના મિત્રો ડિનર પર ભેગા થયા પછી એક ગેમ શરૂ કરે છે. જેમ જેમ ગેમ આગળ વધતી જાય છે, તેમ આ લોકોના રહસ્યો બહાર આવે છે. તેના પગલે જે તોફાન આવે છે, તે કોમેડીની સાથે ફેમિલી ડ્રામા પણ ઊભો કરશે. ફરદિને આ ફિલ્મમાં અક્ષયના ખાસ મિત્રની ભૂમિકા ભજવી છે. ફરદિન ખાને 13 વર્ષ અગાઉ કોમેડી ફિલ્મ કરી હતી. ફરદિન-મુદસ્સરે અગાઉ દુલ્હા મિલ ગયામાં સાથે કામ કર્યું હતું.
ફરદિન-અક્ષયની સાથે આ ફિલ્મમાં તાપસી પન્નુ અને વાણી કપૂર ફાઈનલ થાય તેવી સંભાવના છે. કલાકારો અંગેની જાહેરાત અગાઉ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને આવતા મહિને યુકેમાં શૂટિંગ શરૂ થશે.

LEAVE A REPLY

8 + one =