મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં સોમવારે મોડી રાત્રે ચાર બાળકો સહિત વધુ સાત દર્દીઓને મોત થયાં હતાં. તેનાથી શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં મૃત્યુઆંક વધીને 31 થયો હતો. આ 31 દર્દીઓમાં 16 શિશુ અથવા બાળકો હતાં. હોસ્પિટલમાં 71 જેટલા દર્દીઓની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળે છે.
હોસ્પિટલના ડીન ડૉક્ટર શ્યામરાવ વાકોડેએ તબીબી બેદરકારીના આરોપોને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે દવાઓ અથવા ડોકટરોની કોઈ અછત નથી. દર્દીઓએ યોગ્ય કાળજી આપવામાં આવી હોવા છતાં દર્દીઓમાં કોઇ પ્રતિસાદ જોવા મળ્યો ન હતો.
મહારાષ્ટ્રના મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર હસન મુશ્રીફ નાંદેડ પહોંચ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે દવાઓ કે ડૉક્ટરોની કોઈ અછત ન હતી. અમે દરેક મૃત્યુની તપાસ કરીશું અને જે કોઈ બેદરકારી કરશે તેને સજા કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના ડાયરેક્ટર ડૉ. દિલીપ મહૈસેકરે ગઈ કાલે જણાવ્યું હતું કે, “છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી ત્રણ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે અને રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હું પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વ્યક્તિગત રીતે હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યો છું.”
સરકારી હોસ્પિટલમાં થયેલા મોતને લઈને વિપક્ષોએ રાજ્યની એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ ઘટનાને “અત્યંત પીડાદાયક, ગંભીર અને ચિંતાજનક” કહીને વિગતવાર તપાસની માંગ કરી હતી. ખડગેએ ઓગસ્ટમાં થાણેની એક સરકારી હોસ્પિટલમાં પણ આવી જ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે ટૂંકા અંતરાલમાં 18 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.