ભારત પ્રત્યેના પોતાના પ્રેમ અને ખાલિસ્તાની વિચારધારાના વિરોધ બદલ વર્ષોથી ખાલિસ્તાની કટ્ટરવાદીઓની ધાક ધામકીઓનો ભોગ બનેલા લંડનના શીખ રેસ્ટોરન્ટના માલિકની કાર પર કલર ઢોળીને કારના કાચ પર ગોળી મારી નુકશાન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
વેસ્ટ લંડનમાં રહેતા અને લંડનના હેમરસ્મિથ વિસ્તારમાં આવેલી રંગરેઝ નામની ભારતીય રેસ્ટોરન્ટ ધરાવતા હરમનસિંહ કપૂરે તાજેતરમાં ખાલિસ્તાનીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવી સોશિયલ મીડિયામાં નિવેદનો પોસ્ટ કરતા તેમના પત્ની ખુશી અને પરિવારને કથિત રીતે ખાલિસ્તાની સમર્થકો દ્વારા હિંસા અને બળાત્કારની સતત ધમકીઓ આપવામાં આવી રહી છે.
આ અગાઉ 22 માર્ચ 2023ના રોજ ખાલિસ્તાન તરફી સમર્થકોના એક જૂથે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ કર્યો હતો. તે જ દિવસે સાંજે 6.30 વાગ્યે હરમનની રેસ્ટોરન્ટ પર હુમલો કરાયો હતો. છુપાવેલા હથિયારો આવેલા પુરુષોના જૂથે રેસ્ટોરન્ટના કાચના દરવાજા પર ટકોરા મારી પંજાબીમાં ગાળો બોલ્યા હતા.
તેના બીજે જ દિવસે સાંજે 7:30 વાગ્યે તેમના ઘર પર હુમલો કરાયો હતો. પરંતુ હજુ સુધી કોઇ ધરપકડ કરાઇ નથી. તેમનો પરિવાર સતત ભયમાં જીવે છે અને હુમલાખોરો હજુ પણ ફરાર હોવાથી તેઓ સુરક્ષિત અનુભવતા નથી.
કપૂરે જણાવ્યું હતું કે ‘’તેમની પત્ની ખુશી અને પુત્રી પર બળાત્કારની ધમકી આપવા ઉપરાંત સોશ્યલ મિડીયા પર તેમને ફોન કરીને મારી નાંખવાની ધમકીઓ આપવામા આવે છે.
યુકેના પત્રકાર અને રીસર્ચર શાર્લોટ લિટલવુડે ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં દાવો કર્યો છે કે કપૂર પરિવાર પર હુમલો થઈ રહ્યો છે અને હજુ તે ચાલુ જ છે. હરમન સિંહ કપૂર પોલીસ પ્રતિસાદની રાહ જોઇ રહ્યા છે. પરંતુ અત્યાર સુધીની એક પણ ફરિયાદ પર પોલીસે કોઇ ધરપકડ કરી નથી. આ દાવા બાબતે યુકે પોલીસ તરફથી કોઈ ઔપચારિક નિવેદન આવ્યું નથી.
હરમનની રેસ્ટોરન્ટ પર ખાલિસ્તાન તરફી સમર્થકો દ્વારા આ અગાઉ પણ હુમલો કરવામાં આવી ચૂક્યો છે. તે અંગે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વિડિયોને બે દિવસમાં 20 લાખ લોકોએ જોયો હતો. તે પછી તેમને અપમાનજનક કૉલ્સ, સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. હુમલાખોરોએ માંગ કરી હતી કે તે વિડિયો દૂર કરે, ખાલિસ્તાન તરફી નારા લગાવે અને ભારતીય ધ્વજ બાળી નાખે અથવા મોતનો સામનો કરે.
હરમને કહ્યું હતું કે તેની પત્ની અને તેની પુત્રી પર બળાત્કાર કરવાની ધમકીઓ સાથે તેમનું સરનામુ ઓનલાઇન જાહેર કરાયું હતું તો તેમની પત્ની અને પુત્રીની તસવીરો ચાટતા બદમાશોના વીડિયો પણ પોસ્ટ કરાયા હતા.”
કપૂર તેમના ટીકટોક એકાઉન્ટ પર 30,000 થી વધુ ફોલોઅર્સ ધરાવે છે અને ખાલિસ્તાન ચળવળની ટીકા કરતા વીડિયો પોસ્ટ કરે છે.