પુણેના એમસીએ સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી મેચમાં બાંગ્લાદેશને સાત વિકેટે પરાજય આપીને વિશ્વકપમાં ભારતે સતત ચોથા વિજય નોંધાવ્યો હતો. ટોસ જીતને પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશની ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતાં. આ ટાર્ગેટનો પીછો કરતાં ભારતે વિરાટ કોહલીની શાનદાર સદીને પગલે 41.3 ઓવરમાં 3 વિકેટે ગુમાવીને 261 રન બનાવ્યાં હતા.
મેચમાં વિરાટ કોહલીએ દમદાર પ્રદર્શન કરી સદી ફટકારી હતી, જ્યારે ઓપનિંગમાં આવેલા શુભમન ગીલે અર્ધસદી ફટકારી હતી. બંને ટીમોએ આ મેચ સહિત અત્યાર સુધીમાં 4-4 મેચ રમી છે, જેમાં ભારતે ચારેય મેચમાં જીત મેળવી છે, જયારે બાંગ્લાદેશે માત્ર એક મેચ જીતી છે
ભારત તરફથી વિરાટ કોહલીએ 97 બોલમાં 6 ચોગ્ગા અને 4 સિક્સ સાથે અણનમ 103 રન કર્યા હતા, જ્યારે કે એલ રાહુલે 34 બોલમાં 3 ફોર અને 1 સિક્સ સાથે અણનમ 34 રન ફટકાર્યા હતાં. રોહિત શર્માએ 48 રન, શુભમન ગીલે 53 રન, જ્યારે શ્રેયસ ઐય્યરે 19 રન કર્યા હતા. બોલિંગની જસપ્રિત બુમરાહ, મોહમ્મ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી, જ્યારે શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ખેરવી હતી.
બાંગ્લાદેશ તરફથી લિટન દાસે 82 બોલમાં 7 ચોગ્ગા સાથે 66 રન, જ્યારે તંજીદ તમીમે 43 બોલમાં 5 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 51 રન ફટકાર્યા હતા, જ્યારે મહેંદી હસન મિર્જાએ 2 વિકેટ અને હસન મહમુદે 1 વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશના નિયમિત કેપ્ટન શાકિબ અલ હસન અનફિટ હોવાથી મેચ રમી શક્યો ન હતો, તેની જગ્યાએ નઝમુલ હસન શાંતો ટીમની કેપ્ટનશીપ નિભાવી હતી. ભારતની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નહતો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ મેચ સહિત અત્યાર સુધીમાં કુલ 41 વનડે મેચ રમાઈ છે જેમાં ભારતે 32 અને બાંગ્લાદેશે 8 મેચ જીતી છે જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. ભારતે તેની છેલ્લી 6 વનડેમાં 4 મેચમાં જીત મેળવી છે જ્યારે બાંગ્લાદેશે 6માંથી એક મેચમાં જ જીત મેળવી શકી છે, 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.