પ્રતિક તસવીર (Photo by Pete Summers/Getty Images)

વ્યાપક વિવાદો અને આક્રોશ બાદ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા કરવામાં આવેલા દબાણ બાદ એ લેવલ અને જીસીએસઈના ગ્રેડ હવે શિક્ષકોના મૂલ્યાંકન પર આધારિત હશે એવી ઑફક્વોલ દ્વારા ઘોષણા કરવામાં આવી છે. રેગ્યુલેટર ઑફક્વોલે સોમવારે બપોરે પુષ્ટિ કરી હતી કે ઇંગ્લેન્ડ હવે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડનું અનુસરણ કરશે. એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમ્સને ‘નોંધપાત્ર અસંગતતાઓ’ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે માફી માંગી હતી. લેબર નેતા કેર સ્ટારર્મરે તેને ‘હજારો યુવાનો’નો અન્યાયી ગ્રેડ સામે કરેલા વિરોધ પરનો વિજય ગણાવ્યો હતો.

મિનીસ્ટર્સે ઇંગ્લેન્ડમાં એ-લેવલ અને જીસીએસઈ પરિણામોના ગ્રેડની તકરાર બાદ યુ-ટર્ન લઇ ગ્રેડને શિક્ષકોના મૂલ્યાંકન પર આધારીત થવા દેવાની સંમતિ આપી હતી. સ્કોટલેન્ડમાં રજા ગાળતા વડાપ્રધાન બોરિસ જ્હોન્સને આ ગોટાળા બદલ દબાણનો સામનો કરવો પડ્યો હતો. તેમણે સોમવારે સવારે અન્ડર-ફાયર એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમસન અને અધિકારીઓ સાથે એક કોન્ફરન્સ કોલ કરી ચર્ચા કરી હતી. ટોરી, લેબર અને લિબ ડેમના સાંસદો, શિક્ષકો, યુનિયનના અધિકારીઓ અને એજ્યુકેશન લીડર્સે સરકારના ઉગ્ર પગલાનો વિરોધ કર્યો હતો.

ગેવિન વિલિયમ્સને ગ્રેડિંગ પ્રક્રિયા સાથે ‘નોંધપાત્ર અસંગતતાઓ’ બાદ જણાવ્યું હતું કે ‘’યુવા લોકો માટે આ અસાધારણ અને મુશ્કેલ વર્ષ રહ્યું છે. હવે અમે માનીએ છીએ કે એ, એએસ અને જીસીએસઇના  પરિણામો માટે શિક્ષકે કરેલા મૂલ્યાંકન મુજબ ગ્રેડ આપવાથી તકલીફો હલ થશે.’’

ઇયાન ડંકન સ્મિથ સહિતના અગ્રણી કન્ઝર્વેટિવ સાંસદોએ એ-લેવલ અલ્ગોરિધમનો કાઢી નાંખવા અને તેના બદલે શિક્ષકના ગ્રેડનો ઉપયોગ કરવાની હાકલ કરી હતી. ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામે કટોકટીને લઈને ઑફક્વોલ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી.

આ વિવાદને પગલે વિદ્યાર્થીઓએ દેશભરમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને એ-લેવલના વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગ સામે વિરોધ પ્રદર્શન અને ધરણા કર્યા હતા. યુવા પ્રદર્શનકારીઓએ એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમસનના ચિત્રો વાળા બેનરો અને પ્લેકાર્ડ્સ ઉછાળી લંડનના પાર્લામમેન્ટ સ્કવેર ખાતે તેમને કાઢી મૂકવા હાકલ કરી હતી.