(ANI Photo)
ભારતમાં મનોરંજન ક્ષેત્રે હિન્દી અને સાઉથ ઇન્ડિયાની ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. હવે થોડા વર્ષથી ડિજિટલ પ્લેટફોર્મ પર વેબસીરિઝનો જમાનો આવ્યો છે. અહીં એવી અનેક વેબસીરિઝ ઉપલબ્ધ છે કે તે દર્શકોને જકડી રાખે છે. નવા વર્ષનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે આ પ્લેટફોર્મ હવે નવું ઘણું મનોરંજન પીરસાશે.
ઇન્ડિયન પોલીસ ફોર્સઃ  ભારતમાં પોલીસ ખાતાની સિરીઝ અને ફિલ્મોને દર્શકો પસંદ કરે છે. તેમાં પોલીસની સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ભૂમિકા જોવા મળે છે. રોહિત શેટ્ટી નિર્મિત સુશ્વાંત પ્રકાશે દિગ્દર્શિત નવી સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ આ વર્ષની પ્રથમ એવી સિરીઝ છે જેની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આ એક્શન થ્રિલર સીરીઝમાં જાણીતા સ્ટાર્સ છે. પ્રાઇમ વીડિયો પર આ સીરિઝના કુલ સાત એપિસોડ્સ દર્શાવવામાં આવશે. તેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી, વિવેક ઓબેરોય, શ્વેતા તિવારી, મુકેશ રિશી વગેરે મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
આશ્રમ-4ઃ બોબી દેઓલ અભિનિત આ સીરિઝ ખૂબ જ ચર્ચામાં હતી. ભગવાન હૂં મૈં… એવો દાવો કરતા પાખંડી બાબા નિરાલા તરીકે બોબી દેઓલની ભૂમિકા વખણાઇ હતી. અગાઉ તેની ત્રણ સીઝન આવી ગઇ છે. ચોથી સીરિઝના નિર્માણમાં પ્રકાશ ઝાની મહત્ત્વની ભૂમિકા છે. આ સીરિઝ એમએક્સ પ્લેયર પ રદર્શાવવામાં આવી રહી છે.
પંચાયત-3: ‘પંચાયત’ સિરીઝના નિર્માણની શરૂઆત કરતા સમયે તેના નિર્માતા-દિગ્દર્શકે કદાચ વિચાર્યું પણ નહીં હોય તેવી સફળતા તેને મળી છે. જિતેન્દ્ર કુમારને અભિષેક ત્રિપાઠી તરીકે દર્શકોએ આવકાર્યો અને તેને વખાણ્યો પણ છે. આ ઉપરાંત નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય જેવાં કલાકારોએ યાદગાર પાત્રો ભજવ્યા છે. સાન્વિકાએ તેમાં પ્રધાનની દીકરી રિન્કી તરીકે બીજી સીઝનમાં એન્ટ્રી લીધી હતી. પ્રાઇમ વીડિયો પર હવે ત્રીજી સીઝન આવી છે.
હીરામંડીઃ સંજય લીલા ભણસાલીની આ નવી વેબસીરિઝની ખૂબ ચર્ચા થઇ રહી છે. લાહોરમાં આવેલો રેડ લાઇટ એરિયા, જે શાહી મોહલ્લા તરીકે પણ ઓળખાય છે તેની આસપાસની કહાની આ સીરિઝમાં જોવા મળશે, આ વર્ષે તે નેટફ્લિક્સ પર જોવા મળશે. તેમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, હુમા કુરેશી, અદિતી રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજિદા શેખ, શરમીન સેહગલ વગેરે જોવા મળશે.
ફર્ઝી-2ઃ રાજ અને ડી.કેની શાહિદ કપૂરને ચમકાવતી, પ્રાઇમ વીડિયોની સિરીઝ ‘ફર્ઝી’ની પ્રથમ સીઝન સારી હતી. નકલી ચલણી નોટોની સ્ટોરી દર્શાવતી આ સિરીઝની પ્રથમ સીઝન ગત વર્ષે આવી હતી. હવે નવી સીઝન નવા વર્ષે આવી રહી છે. તેમાં શાહિદ કપૂર ઉપરાંત વિજય સેતુપતિ, કે કે મેનન, ઝાકીર હુસૈન, અમોલ પાલેકર, રાશિ ખન્ના, ભુવન અરોરા વગેરે પણ છે.
ફેમિલી મેન-3ઃ ડિજિટલ પ્લેટફોર્મની પ્રાઇમ વીડિયોની એક સૌથી લોકપ્રિય સિરીઝ ‘ફેમિલી મેન’ની ત્રીજી સીઝનનું પણ નિર્માણ થઇ રહ્યું છે. તેના નિર્માતા પણ રાજ અને ડી. કે. છે. શ્રીકાંત તિવારી તરીકે મનોજ બાજપાયી સાથે તેમાં શારિબ હાશમી, પ્રિયામણિ, વેદાંત સિંહા, સામંતા રુથ પ્રભુ, શ્રેયા ધનવંતરાય જેવાં કલાકારો પણ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતના ઉત્તર-પૂર્વનાં રાજ્યો પર કોવિડના વાઇરસ અને ચીનના હુમલાની વાત તેમાં દર્શાવવામાં આવી હતી.
સ્પેશિયલ ઓપ્સ-૩ઃ આ ડિઝની પ્લસ હોટસ્ટારની જાણીતી સિરીઝ છે. તેમાં કે. કે. મેનન, કરણ ઠાકર, વિનય પાઠક, સજ્જાદ ડેલાફ્ઝ, સંયમી ખેર, ગૌતમી કપૂર વગેરે મુખ્ય ભૂમિકામાં છે. નીરજ પાંડે તેના દિગ્દર્શક છે. શિવમ નાયરે પ્રથમ બે સીઝનનું દિગ્દર્શન કર્યું હતું. સિરીઝ એક્શન થ્રિલર છે. અગાઉ 2010માં આ શોની ચર્ચા સ્ટાર પ્લસ માટે થઇ હતી. 2020માં તેની પ્રથમ સીઝન આવી હતી. પછી એની પ્રીક્વલ પણ આવી હતી.
કપિલ શર્મા શોઃ મૂળ તો ટેલિવિઝન પરનો આ કોમેડી શો હવે નેટફ્લિક્સ પર જોવા મળશે. તેમાં અર્ચના પુરણ સિંઘ સહિતની કૃષ્ણા અભિષેક, કિકુ શારદા સહિતની ટીમ પમ જોવા મળશે. આ શો દ્વારા કપિલ શર્માને મોટી ઓળખ મળી છે. જોકે, તેની રિલીઝની તારીખ હજુ સુધી જાહેર થઇ નથી.
કર્મા કોલિંગઃ રવિના ટંડનને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 26 જાન્યુઆરીએ રિલીઝ થશે. એલેક્ઝાંડર ડુમસની એક નવલકથાથી પ્રેરિત અમેરિકન સિરીઝની આ ભારતીય આવૃત્તિ છે. રવિના તેમાં ઇન્દ્રાણી કોઠારીના પાત્રમાં છે. સરબા દાસ દિગ્દર્શિત આ સિરીઝમાં સુલેખા દેસ, ગાર્ગી મુખર્જી, દર્શન જરીવાલા, બર્નાલી દાસ વગેરે જોવા મળશે.
ગુલ્લક-4ઃ કોમેડી અને સ્વચ્છ પારિવારિક વિષયના કારણે સિરીઝ લોકપ્રિય બની હતી. નવા વર્ષની શરૂઆતમાં જ સોની લિવ પર આ શોની ચોથી સીઝન દર્શાવવાનું આયોજન છે. તેમાં મિત્રા પરિવારના જીવન આસપાસ ફરતી ઘટનાઓ છે. 1980ના દસકાની દૂરદર્શનની લોકપ્રિય ‘યે જો હૈ ઝિંદગી’ જેવી પારિવારિક સીરિયલ જેવી આ સ્ટોરી છે. જમીલ ખાન, ગીતાંજલિ કુલકર્ણી, વૈભવ રાજ ગુપ્તા, હર્ષ માયર વગેરે અભિનિત આ સિરીઝના નિર્માતા શ્રેયાંશ પાંડે અને દિગ્દર્શકો અમૃત રાજ ગુપ્તા અને પલાશ વાસવાની છે.
———————-

LEAVE A REPLY

three × 2 =