Abortion Law

અમેરિકામાં ગર્ભપાતની સંખ્યામાં વધારો થયો છે, જે છેલ્લા ત્રણ દસકાના ઘટાડાના વલણથી વિપરીત છે, તેવું એક નવા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ગર્ભપાતના અધિકારોને સમર્થન આપતી સંશોધન સંસ્થા- ગટ્ટમેશર ઇન્સ્ટિટ્યૂટના રીપોર્ટ મુજબ, ગર્ભપાતમાં વધારાની શરૂઆત 2017માં થઇ હતી અને 2020 સુધીમાં, દર 5માંથી 1 એટલે કે 20.6 ટકા ગર્ભસ્થ મહિલાએ ગર્ભપાત કરાવ્યો હતો. 2017માં 18.4 ટકા મહિલાઓએ ગર્ભપાતમાં કરાવ્યો હતો.

આ સંસ્થાએ દેશમાં ગર્ભપાત કરનાર દરેક જાણીતા લોકોનો સંપર્ક કરીને તેમની પાસે આંકડા એકત્ર કરીને એક રીપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, 2020માં ગર્ભપાતની સંખ્યા વધીને 930,160 થઈ ગઈ, જે 2017માં 862,320 હતી. અને આ સંખ્યા દેશના દરેક પ્રદેશમાં વધી છે, જેમાં પશ્ચિમમાં 12 ટકા, મિડવેસ્ટમાં 10 ટકા, દક્ષિણમાં 8 ટકા અને નોર્થઇસ્ટમાં 2 ટકાનો વધારો નોંધાયો છે.

સુપ્રીમ કોર્ટ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવાની તૈયારીમાં છે, તેનાથી અમેરિકામાં લગભગ 50 વર્ષથી ગર્ભપાતને કાયદેસર બનાવતા રો વિરુ્દ્ધ વેડ ચુકાદાને ઉલટાવી શકે તેમ છે એવા સંજોગોમાં આ નવા આંકડા જાહેર કરાયા છે. કોર્ટનો અંતિમ ચુકાદો ગત મહિને લીક થયેલા મુસદ્દામાં જણાવ્યા પ્રમાણે જ હોય તો લગભગ અડધા રાજ્યો ઝડપથી ગર્ભપાત પર પ્રતિબંધ મૂકશે તેવી અપેક્ષા છે, જ્યારે અન્ય રાજ્યો ગર્ભપાત કરાવવા ઇચ્છનાર મહિલાઓને આવકારવા માટે તૈયારી કરી રહ્યા છે.

નવા રીપોર્ટમાં એકંદરે જણાવાયું છે કે, 2020માં 15થી 44 વર્ષની ઉંમરની દર એક હજાર મહિલાઓએ ગર્ભપાતનો દર વધીને 14.4 ટકાએ પહોંચ્યો હતો, જે દર 2017માં આ ઉમરની એક હજાર મહિલાઓએ 13.5 ટકાનો હતો, તે ગર્ભપાતમાં સાત ટકાનો વધારો હતો.