અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી (ફાઇલ ફોટો) (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

એશિયાના સૌથી ધનિક ગૌતમ અદાણી 24 જૂન 2022ના રોજ 60માં જન્મદિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે અદાણી પરિવારે સામાજિક કાર્યો માટે 7.7 બિલિયન ડોલરનું દાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ગૌતમ અદાણીના બર્થ-ડે પર તેમનાં પત્ની પ્રીતિ અદાણીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. ગૌતમ અદાણીની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરતાં પ્રીતિ અદાણીએ પતિ માટે સારા સ્વાસ્થ્ય અને સફળતાની કામના કરી છે. લગભગ 36 વર્ષ પહેલા પ્રીતિ અદાણીએ ગૌતમ અદાણી સાથે લગ્ન કર્યા હતા. તેમની સાથેના આટલા વર્ષોના સંગાથને સંભારતા પ્રીતિ અદાણીએ લખ્યું હતું કે “36 વર્ષથી વધુ સમય પહેલા મેં મારું કરિયર બાજુમાં મૂકીને ગૌતમ અદાણી સાથે નવી સફર શરૂ કરી હતી. આજે, જ્યારે હું પાછું વળીને જોઉ છું ત્યારે તેમના માટે અપાર માન અને ગર્વની લાગણી થાય છે. તેમના 60મા જન્મદિવસે હું ઈશ્વર પાસે તેમના સારા સ્વાસ્થ્યની અને તેમના દરેક સપના સાકાર કરવાની શક્તિ આપે તેવી કામના કરું છું.”

ગૌતમ અદાણીએ મુંબઈના ગુજરાતી પરિવારમાં જન્મેલા પ્રીતિ અદાણી સાથે લગ્ન કર્યા છે. પ્રીતિ અદાણીએ ડેન્ટલ સર્જરીમાં બેચલર ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. ડેન્ટિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરનારાં પ્રીતિ અદાણી હાલ અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન છે. ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણીના બે દીકરાઓ છે. જેમનાં નામ કરણ અને જીત અદાણી છે. ગૌતમ અદાણીના જન્મદિવસે જ તેમના પિતા શાંતિલાલ અદાણીની 100મી જન્મજયંતિ છે ત્યારે અદાણી પરિવારે વિવિધ સામાજિક કાર્યો પાછળ 60,000 કરોડ રૂપિયાનું દાન આપવાનો સંકલ્પ કર્યો છે.”