Adani dispute: Govt agrees to form committee for shareholders
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (istockphoto.com)

ગુજરાતના 2002ના રમખાણોમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા 63 લોકોને એસઆઇટીએ આપેલી ક્લિનચિટને આખરે સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ઠેરવી છે અને ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી છે. ઝાકીયાએ તેમની અરજીમાં વ્યાપક ષડયંત્રનો આક્ષેપ કર્યો હતો.

રમખાણોની તપાસને ફરી ખોલવાના પ્રયાસ પર પડદો પાડી દેતા જસ્ટિસ એ એમ ખાનવિલકરના વડપણ હેઠળની સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એકઠા કરવામાં આવેલા પુરાવા એવી મજબૂત કે ગંભીર આશંકા ઊભી કરતાં નથી કે મુસ્લિમો સામે હિંસા ફેલાવવાનું ઉચ્ચ સ્તરે વ્યાપક ગુનાહિત કાવતરુ ઘડવામાં આવ્યું હતું.

સુપ્રીમની ખંડપીઠે ઝાકિયા જાફરીની અરજીને મેરિટ વગરની ગણાવી હતી. ખંડપીઠે ગુપ્ત ઇરાદા સાથે ચરૂને ઉકળતો રાખવાની કુટિલ છળકપટની ટીપ્પણી કરીને જણાવ્યું હતું કે પ્રક્રિયાનો આવો દુરુપયોગ કરતા તમામને કઠેડામાં ઊભા રાખવાની અને  કાયદા મુજબ કાર્યવાહી કરવાની જરૂર છે.

ઝાકિયા ઝાફરીએ મોદી સહિત 64 લોકોને એસઆઇટીએ આપેલી ક્લિનચિટને પડકારી હતી અને ઉચ્ચ સ્તરે વ્યાપક ષડયંત્રનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતના રમખાણો વખતે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યપ્રધાન હતા.

સુપ્રીમ કોર્ટે પડકારજનક સંજોગોમાં અથાક કામગીરી બદલ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તે સહીસલામત રીતે સંપૂર્ણ સફળતા સાથે બહાર આવી છે. એસઆઇટીના અભિગમમાં કોઇ દોષ શોધી શકાય તેમ નથી અને તેનો 8 ફેબ્રુઆરી 2012ના અંતિમ રીપોર્ટ નક્કર તર્ક આધારિત છે. એસઆઇટીએ કથિત વ્યાપક ગુનાહિત ષડયંત્રનોના આક્ષેપોને ફગાવી દેવા નિષ્પક્ષ રીતે તમામ પાસાંનો અભ્યાસ કર્યો છે અને એનાલિટિકલ માઇન્ડનો ઉપયોગ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે એસઆઇટી દ્વારા સુપરત કરાયેલા અંતિમ અહેવાલને સ્વીકારવાના મેજિસ્ટ્રેટના નિર્ણયને પણ યોગ્ય ઠેરવ્યો હતો અને ઝાકિયા જાફરીની વિરોધ અરજીને ફગાવી દીધી હતી. ઝાકિયાએ એસઆઇટીના નિર્ણય સામેની તેમની અરજીને ફગાવી દેતા 5 ઓક્ટોબર 2017ના ગુજરાત હાઇકોર્ટના આદેશને પડકાર્યો હતો.

ગુજરાતના રમખાણો દરમિયાન 28 ફેબ્રુઆરી 2002ની હિંસા દરમિયાન અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 68 લોકોના મોત થયા હતા. ગુજરાતમા ગોધરા ટ્રેનકાંડ બાદ રમખાણો ચાલુ થયા હતા. આ રમખાણોમાં કુલ 1,044 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના મુસ્લિમો હતા. કેન્દ્ર સરકારે મે 2005માં રાજ્યસભાને માહિતી આપી હતી કે ગોધરાકાંડ બાદ 254 હિન્દુ અને 790 મુસ્લિમોના મોત થયા હતા.

સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું હતું કે તપાસ દરમિયાન એકઠા કરેલા તમામ પુરાવા બાદ એસઆઇટીએ તેનો અભિપ્રાય બાંધ્યો હતો. વધુ તપાસનો સવાલ ત્યારે જ ઊભો થાય છે, જ્યારે ઉચ્ચસ્તરે વ્યાપક કાવતરાના આક્ષેપની નવી સામગ્રી કે માહિતી મળે. હાલમાં આવી કોઇ સામગ્રી કે માહિતી નથી. આ કેસમાં તપાસ દરમિયાન એકઠા કરાયેલા પુરાવા લઘુમતી સમુદાય સામે રાજ્યસભરમાં વ્યાપક હિંસા ફેલાવાનું ઉચ્ચસ્તરે વ્યાપક ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હોય તેવી મજબૂત કે ગંભીર આશંકા ઊભી કરતાં નથી.

 

કેટલાંક અધિકારીઓની નિષ્ક્રીયતાને પૂર્વઆયોજિત કાવતરુ ગણી શકાય નહીં

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા ટીપ્પણી કરી હતી કે વહીવટીતંત્રના એક વર્ગના કેટલાંક અધિકારીઓની નિષ્કીયતા કે નિષ્ફળતાથી એવું અનુમાન ન કરી શકાય કે સત્તાવાળાનું પૂર્વઆયોજિત કાવતરુ હતું. તેને લઘુમતી સમુદાય સામે રાજ્યપ્રેરિત ગુનો પણ ગણી શકાય નહીં. રાજ્યપ્રેરિત કાયદા અને વ્યવસ્થાના બ્રેકડાઉન અંગે વિશ્વસનીય પુરાવા હોવા જરૂરી છે. માત્ર રાજ્ય વહીવટીતંત્રની નિષ્ક્રીયતા કે નિષ્ફળતાને આધારે કાવતરાનું અનુમાન કરી શકાય નહીં. એસઆઇટીએ નોંધ્યું છે કે કેટલાંક અધિકારીઓની નિષ્ક્રીયતા અને બેદરકારીની યોગ્ય સ્તરે નોંધ લેવામાં આવી છે અને તેમની સામે ખાતકીય પગલાં લેવામાં આવ્યા છે. આવી નિષ્ક્રીયતા કે બેદરકારીને આધારે એવું ન કરી શકાય કે ગુનાહિત કાવતરુ ઘડવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે એસઆઇટીને ગોધરા ટ્રેનકાંડ સહિત અલગ-અલગ નવ ગુનાની તપાસ દરમિયાન રાજ્યભરમાં વ્યાપક હિંસાના અલગ અલગ બનાવોમાં કોઇ કાવતરુ જણાયું નથી. એસઆઇટીએ સુપ્રીમ કોર્ટની ચાંપતી દેખરેખ અને સુપરવિઝન હેઠળ તપાસ કરી છે અને તેને કોર્ટ સહાયની પણ મદદ હતી.

ખોટા દાવા કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી જરૂરી

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે 2002ના રમખાણો અંગે ખોટા ખુલાસા કરવા બદલ ગુજરાત સરકારના અસંતુષ્ટ અધિકારીઓને કઠેડામાં ઊભા રાખવાની અને કાયદા મુજબ કાર્યવાહી કરવાની જરૂર છે. કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યની એવી દલીલમાં વજૂદ લાગે છે કે સંજીવ ભટ્ટ (તત્કાલિન આઇપીએસ ઓફિસર), હરેન પંડયા (તત્કાલિન ગૃહપ્રધાન) અને આર બી શ્રીકુમાર (આઇપીએસ ઓફિસર) જુબાનીનો હેતુ આ મુદ્દાની સનસનાટી ફેલાવાનો અને રાજકીય રંગ આપવાનો હતો.

કોર્ટે જણાવ્યું હતું કે ભટ્ટ અને પંડ્યાએ એ બેઠકના સાક્ષી હોવાનો ખોટો દાવો કર્યો હતો કે જેમાં તત્કાલિન મુખ્યપ્રધાનએ કથિત ઉચ્ચારણો કર્યા હતા. એસઆઇટીએ આવા દાવાને નકારી કાઢ્યા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે એવું લાગે છે કે ગુજરાતના અસંતુષ્ઠ અધિકારીઓ અને બીજા લોકોએ  ખોટા ખુલાસા કરીને સેન્સેશન ઊભું કરવાના સંગઠિત પ્રયાસ કર્યા હતા. તેમના ખોટા દાવાની સંપૂર્ણ તપાસ બાદ એસઆઇટીએ પોલ ખોલી નાંખી છે. ખંડપીઠે જણાવ્યું હતું કે રસપ્રદ બાબત એ છે કે દેખિતા ગુપ્ત ઇરાદા સાથે ચરુને ઉકળતો રાખવા માટે છેલ્લાં 16 વર્ષથી હાલની કાર્યવાહીને આગળ ધપાવવામાં આવી રહી છે અને તેમાં તપાસ પ્રક્રિયામાં સંકળાયેલી તમામ સંસ્થાની પ્રમાણિકતા સામે સવાલ કરવામાં આવ્યા છે. હકીકતમાં પ્રક્રિયાના આવા દુરુપયોગમાં સંડોવાયેલા તમામ સામે કઠેડામાં ઊભા રાખવાની અને કાયદા મુજબ કાર્યવાહી કરવાની જરૂર છે.