પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુક્રેન પર રશિયાના આક્રમણનો ભય તોળાઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર ભારત અને યુક્રેન વચ્ચે ફ્લાઇટની સંખ્યામાં વધારો કરવાની શક્યતા ચકાસી રહી રહી છે. યુદ્ધના ભણકારા વચ્ચે પૂર્વ યુરોપના આ દેશમાંથી ભારતના લોકોને સુરક્ષિત પરત લાવવા માટે સરકારે આ હિલચાલ ચાલુ કરી છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત અને યુક્રેન વચ્ચે ફ્લાઇટની સંખ્યામાં કેવી રીતે વધારો કરવો તે અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ વિવિધ એરલાઇન્સ કંપનીઓ સાથે ચર્ચાવિચારણા કરી રહ્યાં છે. મંગળવારે યુક્રેન ખાતેના ભારતીય દૂતાવાસે હાલની અનિશ્ચિતતાને પગલે યુક્રેન કામચલાઉ ધોરણે છોડી દેવા માટે ભારતના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સૂચના આપી હતી. દૂતાવાસે બિનજરૂરી પ્રવાસ ન કરવાની અને યુક્રેનમાં જ રહેવાની પણ સૂચના આપી હતી. ભારતીય દૂતાવાસ યુક્રેનની ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અમે માહિતગાર છીએ કે ભારતના ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનમાં છે અને ખાસ કરીને ફ્લાઇટ અંગે તેમના પરિવારો ચિંતિત છે. સરકારે યુક્રેનમાં ભારતના નાગરિકો તથા ભારતમાં તેમના પરિવારોને મદદ કરવા માટે યુક્રેન અને નવી દિલ્હીમાં કંટ્રોલ રૂમ ઊભા કર્યા છે.