(ANI Photo)

ભારતની અગ્રણી આઇટી કંપની ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ સપ્તાહમાં 70 કલાક કામ કરવું જોઈએ તેવી ટીપ્પણી કર્યા પછી વર્કિંગ અવરને મુદ્દો ચર્ચા છેડાઈ છે. મૂર્તિએ ઈન્ફોસીસના ભૂતપૂર્વ સીએફઓ મોહનદાસ પાઈ દ્વારા આયોજિત પોડકાસ્ટ પર આ ટિપ્પણી કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે ભારતની વર્ક પ્રોડક્ટિવિટી વિશ્વમાં ઘણી નીચી છે. આપણે આ ઉત્પાદકતામાં વધારો નહીં કરીએ ત્યાં સુધી પ્રચંડ વિકાસ કરનારા દેશો સાથે સ્પર્ધા કરી શકીશું નહીં. તેથી, મારી વિનંતી છે કે આપણા યુવાનોએ કહેવું જોઈએ કે ‘આ મારો દેશ છે. હું અઠવાડિયામાં 70 કલાક કામ કરવા માંગુ છું.” અન્ય રાષ્ટ્રોએ તેમની ઉત્પાદકતામાં કેવી રીતે વધારો કર્યો છે તેનું ઉદાહરણ આપતા, મૂર્તિએ કહ્યું, “બીજા વિશ્વ યુદ્ધ પછી જર્મની અને જાપાનીઓએ બરાબર આ જ કર્યું હતું…તેઓએ ખાતરી કરી હતી કે દરેક જર્મન ચોક્કસ વર્ષો સુધી વધારાના કલાકો કામ કરે. ”

ઘણા લોકો તેમના આ સૂચનને સમર્થન આપી રહ્યાં છે, જ્યારે સોશિયલ મીડિયામાં નારાયણ મૂર્તિની વ્યાપક ટીકા થઈ રહી છે. ઘણા માને છે કે દેશના વિકાસ માટે યુવાનો આટલા કલાક સુધી તનતોડ મહેનત કરે તેમાં કંઈ ખોટું નથી. જાપાન અને સાઉથ કોરિયા જેવા દેશોમાં કામના કલાક ઘણા વધારે હોય છે મોટા ભાગના લોકો મૂર્તિ સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે યુવાનો સપ્તાહમાં 70 કલાક કામ કરે તેમાં સૌથી મોટો ફાયદો દેશને નહીં, પરંતુ મૂડીવાદી ઉદ્યોગપતિઓને થાય છે.

બીજી આઈટી કંપનીઓના એક્ઝિક્યુટિવ્સ પણ મૂર્તિને ટેકો આપી રહ્યા છે. ટેક મહિન્દ્રાના સીઈઓ અને એમડી સી પી ગુરનાનીએ જણાવ્યું કે જે લોકો મૂર્તિની વાતથી નારાજ છે તેઓ એક મુખ્ય વાત ભૂલી જાય છે. મૂર્તિએ એવું નથી કહ્યું કે યુવાનોએ અઠવાડિયામાં 70 કલાક સુધી કોઈ કંપની માટે કામ કરવું જોઈએ. પરંતુ તેમણે પોતાના માટે અને દેશ માટે કામ કરવા કહ્યું છે. તેઓ કહે છે કે તમે 40 કલાક સુધી કોઈ કંપની માટે કામ કરી શકો. બાકીના 30 કલાક તમારા વિકાસ માટે કામ કરી કરો.

મેરિકોના ચેરમેન હર્ષ મારીવાલાએ કહ્યું કે જીવનમાં કામ અને પર્સનલ લાઈફ બંને જરૂરી છે. આ બંને વચ્ચે સંતુલન હોવું જોઈએ. તેમાં પારદર્શિતા, વિશ્વાસ અને મેરિટ આધારિત વાતાવરણ રચાય તે જોવાની જવાબદારી સંગઠનની છે. બ્રોકિંગ કંપની એડેલવાઈઝ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ રાધિકા ગુપ્તાએ કહ્યું કે એક સપ્તાહમાં 70 કલાક કામ કરવાની વાતોથી ઘણા લોકો ઉશ્કેરાઈ ગયા છે. પરંતુ તેઓ એ નથી જોતા કે મહિલાઓ તો હંમેશાથી આના કરતા પણ વધુ કામ કરતી હોય છે. મહિલાઓએ ઓફિસ ઉપરાંત ઘરમાં પણ સારું એવું કામ કરવું પડે છે.

 

LEAVE A REPLY

2 × 3 =