જમ્મુ અને કાશ્મીરમાં 2009માં વિવાદાસ્પદ 370ની કલમની નાબૂદી પછી પ્રથમ વખત 18 સપ્ટેમ્બરથી ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ભારતના ચૂંટણી પંચે 90 સભ્યોની હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલી ઓક્ટોબરે યોજવાની પણ શુક્રવારે જાહેરાત કરી હતી. બંને ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે જાહેર કરાશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 90 સભ્યોની જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ત્રણ તબક્કાની ચૂંટણી 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે યોજાશે.જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા જરૂરિયાતોને કારણે મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખ પછીથી જાહેર કરાશે. 2019માં હરિયાણા અને મહારાષ્ટ્રમાં એકસાથે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જમ્મુ અને કાશ્મીર અને હરિયાણામાં મતદાન પૂર્ણ થયા બાદ બીજા રાજ્યોમાં આગામી ચૂંટણીની જાહેરાત કરાશે.
જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર મતદાન થશે, જ્યારે બીજા અને ત્રીજા તબક્કામાં અનુક્રમે 26 બેઠકો અને 40 બેઠકો પર ચૂંટણી યોજાશે.જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બર 2014માં પાંચ તબક્કામાં યોજાઈ હતી. આમ રાજ્યમાં એક દાયકા પછી ચૂંટણી યોજાઈ રહી છે.
સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવાના કેન્દ્રના નિર્ણયને માન્ય રાખીને 30 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાનો આદેશ આપ્યા પછી ચૂંટણી પંચે આ જાહેરાત કરી હતી. ગયા મહિને શ્રીનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે અને તે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે.
દરમિયાન, નેશનલ કોન્ફરન્સના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ ચૂંટણીની તારીખોનું સ્વાગત કર્યું હતું પરંતુ પ્રદેશમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ફેરબદલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 1987-88 પછી આ કદાચ પ્રથમ વખત છે કે તબક્કાવાર ચૂંટણી થઈ રહી છે… તે એક નવો અનુભવ હશે. નેશનલ કોન્ફરન્સ માટે, હું કહી શકું છું કે અમે તૈયારી કરી રહ્યા છીએ.
દરમિયાન, બીજેપીના J&K પ્રભારી, તરુણ ચુગે કહ્યું હતું કે “તારીખની જાહેરાત આવકાર્ય છે… વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ હેઠળ લોકોને વિશ્વાસ છે. J&K કલમ 370 મુક્ત થઈ ગયું છે. ભાજપ J&Kમાં ચૂંટણી લડશે.