drugs issues
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (ફાઇલ ફોટો (Photo by Chandan Khanna/AFP via Getty Images)

અગ્નિપથ યોજનાની વિરુદ્ધમાં દેશભરમાં ઠેરઠેર ઉગ્ર વિરોધની વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ યોજનાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે લશ્કરી દળોમાં સૈનિકોની ભરતી માટેની અગ્નિપથ યોજના હેઠળ સૈનિકોની ભરતી માટેની વયમર્યાદામાં વધારો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી મોટી સંખ્યામાં યુવાનો લાભ થશે. કોરોના મહામારીને કારણે છેલ્લાં બે વર્ષમાં લશ્કરી દળોમાં ભરતી પ્રક્રિયાને અસર થઈ હતી અને વડાપ્રધાન મોદીએ દેશના યુવાનોની ચિંતાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ નિર્ણય કર્યો છે. સરકારે અગ્નિપથ યોજનાના પ્રથમ વર્ષ માટે વયમર્યાદાને 21 વર્ષથી વધારીને 23 વર્ષ કર્યા છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં યુવાનોને લાભ થશે. અગ્નિપથ યોજનાથી યુવાનો દેશની સેવામાં આગળ વધી શકશે અને તેમનું ભાવિ ઉજ્જવળ છે.

અગ્નિવીરોને પ્રાઇવેટ સિક્યોરિટીમાં અગ્રતા મળશે

અગ્નિપથ યોજના વ્યૂહાત્મક છે અને તે દેશની સુરક્ષાને મજબૂત કરવામાં ગેમ ચેન્જર સાબિત થશે. અગ્નિવીરને ખાનગી ક્ષેત્રમાં સિક્યોરિટી ઓફિસરોની ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે, એમ ખાનગી સિક્યોરિટી ગાર્ડની સર્વોચ્ચ સંસ્થા સેન્ટ્રલ એસોસિયેશન ઓફ પ્રાઇવેટ સિક્યોરિટી ઇન્ડસ્ટ્રી(CAPSI)એ જણાવ્યું છે. વડાપ્રધાન મોદીને પત્ર લખીને CAPSIના ચેરમેન કે વિક્રમ સિંહે જણાવ્યું હતું કે ખાનગી સિક્યોરિટી ક્ષેત્રને કોર્પોરેટ, કમ્યુનિટી સિક્યોરિટી અને હાઇબ્રિડ સિક્યોરિટી માટે લાયકાત ધરાવતા ઓફિસરોની જંગી સંખ્યામાં જરૂરિયાત છે. અગ્નિવીરોની સિક્યોરિટી ઓફિસર તરીકે ભરતી કરવામાં આવશે.