Home Secretary, Priti Patel
Home Secretary, Priti Patel (Photo by Christopher Furlong/Getty Images)

પાકિસ્તાની ગુનેગારો, અસફળ એસાયલમ સિકર્સ, વિઝા ઓવરસ્ટેયર્સ અને ઇમિગ્રેશન અપરાધીઓને તેમના વતન પાકિસ્તાનમાં દેશનિકાલ કરવા માટે બ્રિટિશ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પાકિસ્તાનના ગૃહ સચિવ યુસુફ નસીમ ખોખર અને યુકેમાં દેશના હાઈ કમિશનર મોઅઝમ અહમદ ખાન સાથે ગયા અઠવાડિયે લંડનમાં એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. યુકેએ છેલ્લા 15 મહિનામાં સર્બિયા, નાઈજીરીયા, અલ્બેનિયા અને ભારત સાથે આવા સમાન કરાર કર્યા છે.

પ્રીતિ પટેલે કહ્યું હતું કે “યુકેમાંથી વિદેશી ગુનેગારો અને ઇમિગ્રેશન અપરાધીઓને પાકિસ્તાન પરત કરવા માટે અમારા પાકિસ્તાની મિત્રો સાથે નવા સીમાચિહ્નરૂપ કરાર પર હસ્તાક્ષર કરવા બદલ મને ગર્વ છે. જેમને યુકેમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા ખતરનાક વિદેશી ગુનેગારો અને ઇમિગ્રેશન અપરાધીઓને દૂર કરવા માટે હું કોઈ માફી માંગતી નથી.”

હોમ ઑફિસના ડેટા અનુસાર, પાકિસ્તાની નાગરિકો ઈંગ્લેન્ડ અને વેલ્સની જેલોમાં વિદેશી ગુનેગારોની સાતમી સૌથી મોટી સંખ્યા ધરાવે છે, જે વિદેશી ગુનેગારોની વસ્તીના લગભગ 3 ટકા એટલે કે લગભગ 2,500 કેદીઓ છે. સરકારે દાવો કર્યો હતો કે નવો કરાર ગેરકાયદેસર માઇગ્રેશનના મુદ્દાને ઉકેલવા માટે બંને દેશોની ચાલુ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

જાન્યુઆરી 2019 થી ડિસેમ્બર 2021ના ​​અંત સુધીમાં, યુકે દ્વારા વૈશ્વિક સ્તરે 10,741 વિદેશી અપરાધીઓને દૂર કર્યા છે.

નિષ્ફળ એસાયલમ સીકર્સ અને વિદેશી ગુનેગારોને પરત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તેવા દેશોના જૂથમાં પાકિસ્તાન સામેલ છે. જેને પગલે આ કરાર પ્રીતિ પટેલ માટે એક મહત્વપૂર્ણ સફળતાનો સંકેત આપે છે.