કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ ફાઇલ ફોટો (PTI Photo/Manvender Vashist)

કોંગ્રેસના વડા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલનું 25 નવેમ્બરે કોરાનાને કારણે નિધન થયું થયું હતું. તેમની ઉંમર 71 વર્ષ હતી. તેમનો જન્મ ગુજરાતનાં અંકલેશ્વર પાસે આવેલા પીરામણ ગામમાં થયો હતો. તેઓ મોહમ્મદ ઇશાક પટેલ અને હવાબહેન પટેલનાં પુત્ર હતા.

અહેમદ પટેલ કોંગ્રેસનાં ચાણક્ય ગણાતા હતા. અહેમદ પટેલના નિધનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાએ શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, અહેમદ પટેલના નિધનના કારણે મે એક મિત્ર અને વફાદાર સાથી ગુમાવ્યા છે. મે એક એવા સાથીને ગુમાવ્યા છે કે જેની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી. આ સાથે સોનિયા ગાંધીએ તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. અહેમદ પટેલ સોનિયા ગાંધીના સલાહકાર પણ રહ્યા હતા. તેઓ કોંગ્રેસના ખજાનચી પણ હતા.

પટેલ કોંગ્રેસના સંકટમોચક હતા. તેઓ સોનિયા ગાંધીના અંગત સલાહકારોમાં સામેલ હતા. પટેલની ગણતરી કોંગ્રેસના શક્તિશાળી નેતાઓમાં થતી હતી, પણ તેઓ ક્યારેય સરકારનો હિસ્સો નહોતા રહ્યા. ગાંધી પરિવાર સાથે પટેલનો સંબંધ ઈન્દિરાના જમાનાથી હતો. 1977માં જ્યારે તેઓ માત્ર 28 વર્ષના હતા, તો ઈન્દિરા ગાંધીએ તેમને ભરૂચથી ચૂંટણી લડાવી હતી.

કોંગ્રેસમાં અહેમદ પટેલનું કદ 1980 અને 1984ના સમયે વધ્યું હતું. ઈન્દિરા ગાંધીના પછી જવાબદારી સંભાળવા માટે રાજીવ ગાંધીને તૈયાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે અહેમદ પટેલ રાજીવ ગાંધીના નજીક આવ્યા હતા. ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી 1984માં લોકસભાની 400 બેઠકની બહુમતી સાથે સત્તામાં આવ્યા હતા અને પટેલને કોંગ્રેસ સાંસદ હોવા સિવાય પાર્ટીના સંયુક્ત સચિવ બનાવાયા હતા. તેમણે થોડાક સમય માટે સંસદીય સચિવ અને પછી કોંગ્રેસ મહાસચિવ પણ બનાવવામાં આવ્યા હતા.