અમદાવાદમાં 2008ના સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસના ચુકાદાને પગલે 8 ફેબ્રુઆરી 2022ના રોજ ભદ્ર ખાતેની સેશન કોર્ટની બહાર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. (PTI Photo)

વર્ષ 2008માં અમદાવાદના અલગ-અલગ 20 વિસ્તારમાં થયેલા સિરિયલ બોંબ બ્લાસ્ટના કેસમાં અમદાવાદની સ્પેશ્યલ કોર્ટે મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022ના રોજ કુલ 77માંથી 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે 28 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકીનો આદેશ કર્યો હતો. કોર્ટ 9 ફેબ્રુઆરીએ દોષિતની સજાની જાહેરાત કરશે. તમામ દોષિતને વીડિયો કોન્ફન્સ મારફત કોર્ટમાં હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં 2008ના 26 જુલાઈએ થયેલા શ્રેણીબદ્ધ બોંબ બ્લાસ્ટમાં 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે 244 ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 ફરિયાદ નોંધાઈ હતી.સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે ચુકાદો આપવાની હતી જેનાં કારણે ભદ્ર સ્થિત સિટી સેશન્સ કોર્ટ અને સાબરમતી જેલમાં પોલીસ અને એ.ટી.એસ. સહિતની સુરક્ષા એજન્સીઓનો જડબેસલાક બંદોબસ્ત તૈનાત કરાયો. આ ઉપરાંત ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી કોર્ટ સંકુલમાં વકીલો અને પક્ષકારોને પ્રવેશની મનાઇ ફરમાવવામાં આવી હતી.

અમદાવાદના ભદ્ર ખાતેની સ્પેશિયલ કોર્ટના જજ એ.આર. પટેલે આ કેસનો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં કુલ 1163 લોકોને સાક્ષી તરીકે કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. કાયદાકીય કાર્યવાહીમાં વધુ વિલંબ ના થાય તે માટે 1237 સાક્ષીઓને પડતા મૂકવામાં આવ્યા હતા. અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા બાદ સુરતમાં પણ અલગ-અલગ વિસ્તારોમાંથી બોંબ મળી આવ્યા હતા. આ કેસમાં 82 આતંકવાદીની ધરપકડ કરાઈ હતી, જ્યારે આઠ આરોપી હજુ પણ ભાગેડુ છે.અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના 77 આરોપી દેશનાં 7 રાજ્યની વિવિધ જેલોમાં બંધ છે.

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 49, મધ્યપ્રદેશના ભોપાલની જેલમાં 10, મહારાષ્ટ્રમાં મુંબઈની તલોજા જેલમાં 4, કર્ણાટકના બેંગલુરુની જેલમાં 5, કેરળની જેલમાં 6, જયપુરની જેલમાં 2 અને દિલ્હીની જેલમાં 1 આરોપી છે.