insider leaks

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ સોમવાર, 7 ફેબ્રુઆરી 2022ના રોજ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. ગયા વર્ષે હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ રાજીનામાની ઉગ્ર માંગણી થઈ હતી.

આ પેપરકાંડના બે મહિના બાદ અસિત વોરા પાસેથી પોતાના પદ પરથી રાજીનામું માંગી લેવાયું હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બર 2021ના રોજ લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા રાજ્યભરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધી દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના કાર્યકાળમાં બે વખત પેપર ફૂટવાની ઘટના બની હતી. તાજેતરમાં 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું. આ પહેલા 2019માં પણ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું.