પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દિવાળીના ઉત્સવોને કારણે અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં રોજના 90થી વધુ કેસ આવી રહ્યા છે અને હવે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં રાત્રે એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. 17 નવેમ્બરની રાત સુધીમાં સોલા સિવિલમાં કોરોનાના 81 દર્દી દાખલ કરવામાં આવ્યા છે. કોરોના કેસોની સંખ્યામાં વધારાને પગલે સોલા સિવિલના નવા ફ્લોરમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સોલા સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુ બેડ ભરાઈ ગયા છે. દર્દીઓ વધતાં ખાસ એક ફ્લોર ઊભો કરવામાં આવ્યો છે. નવા ફ્લોરમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં 279 કોરોના દર્દી દાખલ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં માત્ર 120 બેડ ખાલી રહ્યાં છે.

દિવાળીના ઉત્સવોને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં આશરે 50 ટકાનો વધારો થયો છે. આ સ્ફોટક સ્થિતિને પગલે 16 નવેમ્બરે આરોગ્યપ્રધાન નીતિન પટેલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. હાલ સામાન્ય દર્દીઓ કરતાં ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવા વર્ષના દિવસે જ 140 નવા કોરોનાના દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલ સિવિલમાં સારવાર લઈ રહેલા 625 દર્દીમાંથી 475 ઓક્સિજન પર છે.