પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વર્ષ 2020ના ડિસેમ્બર ક્વાર્ટરમાં અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટ મજબૂત રિકવરી આવી હતી. આ ત્રિમાસિક ગાળામાં રેસિડેન્શિયલ અને ઓફિસ બંને સેગમેન્ટમાં સારું વેચાણ નોંધાયું હતું.

રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અહેવાલ મુજબ ડિસેમ્બર 2020 ક્વાર્ટરમાં અમદાવાદમાં રહેણાંક મકાનોના વેચાણમાં 139%નો વધારો નોંધાયો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1,176 મકાનો વેચાયા હતા, જે ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં વધીને 2,810 યુનિટ થયા હતા.

આ રિપોર્ટ મુજબ, ચોથા ત્રિમાસિક ગાળામાં શહેરમાં નવા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સના લોન્ચિંગમાં પણ 127 ટકાનો ઉછાળો આવ્યો હતો. ત્રીજા ત્રિમાસિક ગાળામાં નવા લોન્ચ થયેલા મકાનો 1,451 યુનિટ હતા જે ચોથા ત્રિમાસિક ગાળામાં વધીને 3,294 થયા હતા. ચોથા ત્રિમાસિક ગાળામાં રિયલ એસ્ટેટ માર્કેટ પુનઃજીવિત થતાં વર્ષના બીજા ભાગમાં (જુલાઈથી ડિસેમ્બર 2020) હાઉસિંગ માર્કેટનો દેખાવ સુધર્યો હતો.

અમદાવાદમાં 2020ના બીજા છ માસમાં મકાનોનું વેચાણ 58 ટકા વધ્યું હતું. વર્ષના પહેલા છ માસમાં 2,520 મકાન વેચાયા હતા જે સેકન્ડ હાફમાં વધીને 3,986 યુનિટ થયા હતા. રિયલ એસ્ટેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બિઝનેસ પ્રવૃત્તિમાં વધારો, હોમ લોનના દરમાં ઘટાડો જેવા પરિબળોથી વેચાણને પોઝિટિવ અસર થઈ હતી.