અમદાવાદ મેટ્રો ટ્રેન સેવાને ૩૦, સપ્ટેમ્બરે એક વર્ષ પૂર્ણ થયું છે. 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ એક વર્ષમાં મેટ્રો રેલમાં સામાન્ય દિવસોમાં સરેરાશ 90 હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ 75 હજાર મુસાફરોએ પ્રવાસ કર્યો છે. ઉત્તર-દક્ષિણ કોરિડોર હવે મોટેરાથી આગળ ગાંધીનગર સુધી લંબાવવામાં આવી રહ્યો છે. આવતા વર્ષે તેનો પ્રારંભ કરાય તેવું આયોજન છે. મોટેરાથી ગાંધીનગરનો આ કોરિડોર અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મહત્વપૂર્ણ લીંક સાબિત થશે અને બંને શહેરોના મુસાફરોને ટ્રાફિકની ભીડમાંથી મોટી રાહત મળશે તથા બન્ને શહેરના વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે.

શરુઆતના તબક્કે, 30 મિનિટના અંતરે મેટ્રોની સેવા મળતી હતી. હવે દર 12 મિનિટે મેટ્રોની સેવા મળી રહે છે. મેટ્રો સેવાઓનો સમય સવારે 9થી રાત્રિના 8 વાગ્યા સુધીનો હતો, જે હવે સવારે 6:20થી રાત્રિના 10 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. ટુ-વ્હીલર, રીક્ષા, કાર જેવા વાહનોના વપરાશકર્તાઓએ હવે સલામત અને અનુકૂળ મુસાફરીને કારણે મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો છે. મેટ્રો ટ્રેનમાં વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીની મુસાફરી માત્ર ૩૯ મિનિટમાં થાય છે. જ્યારે વાસણા APMCથી મોટેરા સુધીની મુસાફરી માત્ર 32 મિનિટમાં થાય છે.
એક અંદાજ મુજબ જો, બેથી ત્રણ મુસાફરો વચ્ચે એક વાહનની ગણતરી કરીએ તો, આ વર્ષ દરમિયાન અમદાવાદમાં ઉપર વાર્ષિક અંદાજે 70 લાખ જેટલા વાહનોની અવર-જવર ઘટી છે. આથી રસ્તા પરના ટ્રાફિકમાં રાહત મળી હતી અને વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

LEAVE A REPLY