ભારતમાં વિરોધને પગલે ટર્કિશ એરલાઇન્સના ભૂતપૂર્વ ચેરમેન ઇલ્કર આયસીએ ટાટા ગ્રૂપની કંપની એર ઇન્ડિયાના સીઇઓનો હોદ્દો સ્વીકારવાનો મંગળવારે ઇનકાર કર્યો હતો (Photo by ADRIEN MORLENT/AFP via Getty Images)

એર ઇન્ડિયાને તેના નવા સીઇઓ ઇલ્કર આયસી માટે ભારત સરકાર પાસેથી સુરક્ષા સંબંધિત મંજૂરી મેળવવામાં મુશ્કેલી પડે તેવી શક્યતા છે. તેનું કારણ એ છે કે ઇલ્કર આયસીને ટર્કીના પ્રેસિડન્ટ રેસેપ ટી અર્દોગનના મિત્ર માનવામાં આવે છે અને ટર્કી હંમેશા ભારતની વિરુદ્ધમાં નિવેદન આપતું રહે છે. ભારતના નિયમો મુજબ એરલાઇન કંપનીએ મેનેજમેન્ટમાં મહત્ત્વના હોદ્દા માટે નિમણુક કરતી વખતે તે વ્યક્તિ અંગે ભારત સરકાર પાસેથી મંજૂરી મેળવી પડે છે. ટાટા ગ્રૂપે 14 ફેબ્રુઆરીએ એર ઇન્ડિયાના સીઇઓ અને એમડી તરીકે આયસીના નામની જાહેરાત કરી હતી. તેઓ પહેલી એપ્રિલ 2022થી વડાનો હવાલો સંભાળવાના છે. જો આ મુદત સુધી સરકારની મંજૂરી નહીં મળે તો ટાટા ગ્રૂપે નવા નામની વિચારણા કરવી પડશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે નવા સીઇઓને મંજૂરી મેળવવામાં અનિશ્ચિતતાને પગલે ટાટા સન્સ એર ઇન્ડિયા માટે સીઓઓની નિમણુક સહિત નવી લીડરશીપની ચકાસણી કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટર્કિશ નાગરિક આયસી પહેલી એપ્રિલથી ચાર્જ સંભાળવાના છે, તેથી હજુ થોડા સમય છે. ટાટા સન્સ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.જો મંજૂરી નહીં મળે તો ટાટા સન્સ એર ઇન્ડિયામાં સીઇઓની ભૂમિકા માટે બાકીના ચારમાંથી બીજા શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી કરશે.

રસપ્રદ બાબત એ છે કે આયસીએ 27 જાન્યુઆરી ટર્કિશ એરલાઇન્સમાં ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ જ દિવસે ટાટા સન્સે સરકાર પાસેથી એર ઇન્ડિયાનું સુકાન સંભાળ્યું હતું.

આ મુદ્દે ટાટા સન્સે કોઇ સત્તાવાર ટીપ્પણી કરી નથી. જો આયસીને મંજૂરી નહીં મળે તો ચેરમેન એન ચંદ્રશેખરના વડપણ હેઠળ એવો બીજા કિસ્સો હશે કે તેમાં વિદેશી નાગરિકની નિમણુક સફળ થઈ નથી. ગયા વર્ષે ટાટા ગ્રૂપે ટાટા મોટર્સના વડા તરીકે જર્મન નાગરિક માર્ક લિસ્ટોસેલ્લાની નિમણુક કરી હતી. પરંતુ તેઓ ટાટા મોટર્સમાં જોડાયા નથી. ટાટા મોટર્સ ગયા જુલાઈથી સીઇઓ વગરની કંપની છે.