A war has been waged against Russia and we will emerge victorious: Putin

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ગુરુવારે વહેલી સવારે યુક્રેનમાં વિશેષ આર્મી ઓપરેશનની જાહેરાત કરી હતી. આ સાથે રશિયન સેનાએ યુક્રેનમાં હુમલા શરૂ કર્યા છે. પુતિને કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો કોઈ દેશ યુક્રેન-રશિયા યુદ્ધમાં દરમિયાનગીરીની કોશિશ કરશે તો તેના પરિણામ ભયાનક આવશે. પુતિને સ્પષ્ટ કર્યું છે કે રશિયા પોતાની સુરક્ષા માટે કંઈ પણ કરવા તૈયાર છે. પરમાણુ શસ્ત્રોથી સજ્જ રશિયા અને નાટો હવે સામસામે છે. પુતિને દેશવાસીઓને સ્પેશિયલ ઓપરેશનના નિર્ણયની જાણકારી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે જે કંઈ થઈ રહ્યું છે તેમાં જો કોઈ વિદેશી દેશ દરમિયાનગીરી કરશે તો સમજી લો કે તેને તરત જ જવાબ મળશે અને તે થશે જે ઈતિહાસે ક્યારેય જોયું નથી. મને આશા છે કે મારો અવાજ સાંભળવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે અમારા પ્રિય રશિયનો, હવે તમારા માટે એક થવાનો સમય છે. આર્મી આગળ વધશે. અમેરિકા અસત્યનું સામ્રાજ્ય છે. તેની પાસે મંદબુદ્ધિની સેના છે પણ મગજ નથી. આપણી પાસે મગજ છે. આપણે તૈયાર છીએ અને આપણા સાર્વભૌમત્વની રક્ષા માટે અમે લડીશું. હું સકારાત્મક છું કે રશિયન સેના તેના મિશનને પ્રોફેશનલ રીતે પૂર્ણ કરશે. અમે સામાજિક સુરક્ષા, નાણાકીય ક્ષેત્રોનું ધ્યાન રાખી રહ્યા છીએ. રશિયાનું ભાગ્ય સુરક્ષિત હાથમાં છે. જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે, તેનો ટાર્ગેટ પૂરો થશે.

યુક્રેનમાં રહેતા લોકોને ક્યારેય પૂછવામાં આવ્યું નથી કે તેઓ ક્યાં રહેવા માગે છે અને અમને નિર્ણય લેવાનો અધિકાર છે. અમે ક્રિમીઆના લોકોનું પણ રક્ષણ કર્યું અને હવે યુક્રેનના લોકોનું પણ રક્ષણ કરીશું. અમે સેલ્ફ ડિફેન્સમાં કામ કરી રહ્યા છીએ. આપણી સામે અનેક ભયજનક મોરચા ખુલી ગયા છે. આપણે આ દુઃખદ સમયમાંથી ટૂંક સમયમાં પસાર થઈ જઈશું. પરંતુ આ સમય દરમિયાન આપણે કોઈ બહારની દખલગીરી સહન નહીં કરીએ. હું યુક્રેનિયન સેનાને કહેવા માંગુ છું કે તમારા પિતા અને દાદા અમારી સાથે મળીને લડાઈ લડતા રહ્યા. તમે તમારા હથિયારો નીચે મૂકો અને ઘરે જાઓ. યુક્રેનના આવા તમામ સૈનિકોને સુરક્ષિત ઘરોમાં પહોંચાડવામાં આવશે. જો તેઓ આમ નહીં કરે તો તેમને પરિણામ ભોગવવા પડશે. આ માટે કીવ જવાબદાર છે.