
ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન એર ઇન્ડિયાએ ગુરુવારે એક આધુનિક નવી બ્રાન્ડ ઓળખ અને નવી એરક્રાફ્ટ લિવરીનું અનાવરણ કર્યું હતું. આ નવો લોગો બોલ્ડ ન્યૂ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરે છે. નવો લોગો તેના નવા અવતારનું એક મહત્ત્વનું સીમાચિહ્ન છે. એર ઇન્ડિયન રાષ્ટ્રીય કંપનીમાંથી રાષ્ટ્રીય પ્રેરણા તરફ પરિવર્તન કરી રહી છે. એર ઈન્ડિયાનું નવું લોગો સિમ્બોલ – ‘ધ વિસ્ટા’ – ગોલ્ડ વિન્ડો ફ્રેમના શિખરથી પ્રેરિત છે, જે અમર્યાદિત શક્યતાઓ, પ્રગતિશીલતા અને ભવિષ્ય માટે એરલાઈન્સના બોલ્ડ, આત્મવિશ્વાસપૂર્ણ દૃષ્ટિકોણને દર્શાવે છે.
બ્રાન્ડ ટ્રાન્સફોર્મેશન કંપની ફ્ચુચર બ્રાન્ડ સાથે ભાગીદારીમાં નવો લોગો ડિઝાઇન કરાયો છે. નવી બ્રાન્ડ આઇડેન્ટિટી એર ઇન્ડિયાના ભવ્ય ભૂતકાળને શ્રેષ્ઠતા અને ભવિષ્ય માટે નવીનતા લાવવાના લક્ષ્ય સાથે જોડે છે. ડિસેમ્બર 2023થી શરૂ થતા પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને નવો લોગો જોવા મળશે.
એર ઈન્ડિયાના CEO અને MD કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે અમારી પરિવર્તનશીલ નવી બ્રાન્ડ એર ઈન્ડિયાને વિશ્વભરના મહેમાનોને સેવા આપતી વિશ્વ કક્ષાની એરલાઈન બનાવવાની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે અને તે વૈશ્વિક મંચ પર ન્યૂ ઇન્ડિયાનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કરે છે. નવી એર ઈન્ડિયા બોલ્ડ, આત્મવિશ્વાસપૂર્ણ અને ગતિશીલ છે, પરંતુ તેના સમૃદ્ધ ઈતિહાસ અને પરંપરાઓ સાથે પણ ઊંડા મૂળ ધરાવે છે. ભારતીય પરંપરા ભારતીય આતિથ્ય સેવામાટે વૈશ્વિક માપદંડ બનાવે છે.
વિલ્સને જણાવ્યું હતું કે એર ઈન્ડિયાનું પહેલું એરબસ A350 નવી લિવરીમાં કાફલામાં પ્રવેશ કરશે ત્યારે એટલે કે ડિસેમ્બર 2023થી મુસાફરોને તેમની સફર દરમિયાન નવો લોગો જોવા મળશે. રંગો, પેટર્ન, આકારો અને તેઓ કેવી રીતે એકસાથે આવે છે તે મહત્ત્વનું છે પરંતુ અમારી સેવા અમારો હેતુ રજૂ કરશે. અમે ભારતની ફ્લેગશિપ એરલાઇનની ભૂમિકાની પુનઃ કલ્પના કરવા માટે સંપૂર્ણ પરિવર્તનના સમયમાં છીએ.
એર ઇન્ડિયાએ તાજેતરમાં નવા 470 વિમાનો ખરીદવા માટે એરબસ અને બોઇંગ સાથે 70 બિલિયન ડોલરનો કરાર કર્યો હતો. આ વિમાનોની ડિલિવરી આ વર્ષના નવેમ્બરથી ચાલુ થશે. વિમાનના કાફલામાં પરિવર્તનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. કંપની 20 વાઇડબોડી વિમાનોનુ લિઝિંગ અથવા ખરીદી કરી રહી છે.













