Delhi Indira Gandhi International airport
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દેશભરના એરપોર્ટ્સ પર હવે સ્થાનિક કલા કારીગરોએ તૈયાર કરેલી પ્રોડક્ટસનું વેચાણ થશે. સ્થાનિક કારીગરોને મદદ કરવાના પ્રયાસના ભાગરુપે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) સ્થાનિક ધોરણે તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટસના વેચાણ માટે વિવિધ એરપોર્ટમાં સ્વસહાય જૂથોને સ્ટોર ઊભો કરવા માટે જગ્યા આપશે.

એરપોર્ટમાં સ્વસહાય જૂથોને આશરે 100થી 200 ચોરસફૂટની જગ્યા આપવામાં આવશે.અહીં સ્ટોર ઊભો કરીને સ્વસહાય જૂથો ગ્રામીણ મહિલાઓ અને કુશળ કારીગરોની પ્રોડક્ટસનું પ્રદર્શન કરશે. સ્વસહાય જૂથોને વારાફરથી આ સ્પેસ આપવામાં આવશે, જેથી દરેક ગ્રૂપ 15 દિવસ માટે તેમની પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરી શકશે.

વારાણસી, કાલિકટ, કોલકતા, કોઇમ્બતુર અને રાયપુર સહિતના એરપોર્ટ સ્થાનિક સ્વસહાય જૂથોને જગ્યા પૂરી પાડવા માટે સંબંધિત રાજ્ય સરકારો સાથે કામગીરી કરી રહ્યાં છે. સ્વસહાય જૂથોના સ્ટોર ઊભા કરવાની યોજના છે તેવા બીજા એરપોર્ટમાં વિશાખપટ્ટનમ, ભુવનેશ્વર, રાયપુર, સિલચર, દિબ્રુગઢ અને જોરહટનો સમાવેશ થાય છે.

એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સંજીવ કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે  વિવિધ પ્રદેશો અને રાજ્યોની અનોખી ઓળખ અને સંસ્કૃતિ દર્શાવતા આ પ્રોજેક્ટ્સનો હેતુ એરપોર્ટમાં સ્વસહાય જૂથોને માત્ર પ્લેટફોર્મ જ પુરું પાડવાનો નહીં, પરંતુ સ્થાનિક પ્રદેશના વારસા અને સંસ્કૃતિથી હવાઇ મુસાફરોને પરિચિત કરવાનો છે. એરપોર્ટ ઓથોરિટી સ્થાનિક કુશળ કારીગરોને પ્રોત્સાહન આપવા અને સ્વસહાય જૂથોને મજબૂત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.

હાલમાં અગરતલા, દેહરાદૂનસ કુશીનગર, ઉદેપુર, અમૃતસર, બેલાગાવી, ચેન્નાઇ, રાંચી, ઇન્દોર, સુરત, મદુરાઈ અને ભોપાલ સહિતના 12 એરપોર્ટ પર સ્થાનિક કુશળ કારીગરોની વસ્તુઓના વેચાણ માટે સ્ટોર છે.