ગુજરાતી અને હિન્દી ભાષામાં રીલીઝ થયેલી ફિલ્મ ‘વશ લેવલ 2’ દેશ-વિદેશના દર્શકોને આકર્ષી રહી છે. આ ફિલ્મથી અજય દેવગણ પણ પ્રભાવિત થયા છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર આ ગુજરાતી સીક્વલને ‘ગૂડ સિનેમા’ કહી છે. તેમણે યુવા અભિનેત્રી જાનકી બોડીવાલાની પ્રશંસા કરીને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા છે.
અજય દેવગણે આ ફિલ્મના પ્રમોશનમાં ભાગ લીધો હતો અને તેનું ટ્રેલર સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કર્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં અજય દેવગણે જણાવ્યુ હતું કે, સારું સિનેમા ઘણા દૂર સુધી જાય છે. કૃષ્ણદેવ યાજ્ઞિક, કુમાર મંગત પાઠક અને વશ વિવશ લેવલ 2ની સમગ્ર ટીમને અભિનંદન. જાનકી બોડીવાલને ફરી શાનદાર કામ માટે ખાસ અભિનંદન.
જાનકી બોડીવાલાએ આ ફિલ્મમાં આર્યાનો રોલ કર્યો છે અને તેને આ વર્ષની ગુજરાતી ફિલ્મોના સૌથી વધુ સારા પરફોર્મન્સમાં સ્થાન મળ્યું છે. ‘વશ’ 2023માં રિલીઝ થઈ હતી અને તેને નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મથી પ્રેરિત થઈને ‘શૈતાન’ બની હતી, જેમાં અજય દેવગણની મુખ્ય ભૂમિકા હતી. તેના બે વર્ષ પછી ‘વશઃ લેવલ 2’ રીલીઝ થઇ છે. આ ફિલ્મે રીલીઝ થયાના પ્રથમ ચાર દિવસમાં ભારતમાં રૂ.4.8 કરોડનું કલેક્શન મેળવ્યું હતું, જેમાંથી ગુજરાતમાં 2.75 કરોડની આવક થઈ હતી.
