ગુજરાત પોલીસે દિલ્હી પોલીસની મદદથી વિદેશ જવા ઈચ્છુક લોકોને દિલ્હી અને કોલકતામાં ગોંધી રાખી રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ કરીને મહેસાણા અને અમદાવાદના નવયુવાન દંપતીઓને એજન્ટોની ચૂંગાલમાંથી છોડાવ્યા હતા. અમેરિકા અને કેનેડામાં વર્ક પરમિટના નામે બાળકો સહિત ઉત્તર ગુજરાતના 15 સભ્યોને મોકલવાની લાલચ આપીને તેમને પશ્ચિમ બંગાળ અને ત્યાર બાદ દિલ્હીની હોટલમાં ગોંધી રાખીને પરિવારો પાસેથી કરોડો રૂપિયાની ખંડણી વસુલવામાં આવી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, અમદાવાદના એજન્ટ રાજેશ નટવરલાલ પટેલ મારફતે પશ્ચિમ બંગાળના એજન્ટ સુશીલ રોય, સંતોષ રોય અને કમલ સિંઘાનીયા મારફતે ઉત્તર ગુજરાતના વસઇ, મોતિપુરા, ઘુમાસણ, કાસ્વ અને ખરણાં ગામના દંપતિને પરિવાર સાથે અમેરિકા અને કેનેડા મોકલવાની ડીલ નક્કી કરવામાં આવી હતી. જે મુજબ ગયા ડિસેમ્બર મહિનાથી તબક્કાવાર પરિવારોને મુંબઇ અને ત્યાંથી પશ્ચિમ બંગાળ લઇ જવામાં આવ્યા હતા. કોલકત્તા પાસે આ પરિવારોને ગોંધી રાખીને તેમની પાસેથી બંદૂકની અણીએ કરોડો રૂપિયાની ખંડણી વસુલવામાં આવી હતી.

પોલીસને 12 ફેબ્રુઆરીએ ફરિયાદ મળી હતી કે, ગાંધીનગર, મહેસાણા તથા અમદાવાદના નવયુવાન દંપતીઓને વિદેશ મોકલવાની લાલચ આપી છેલ્લા બે મહિનાથી દિલ્હી તેમજ કોલકાતા બોલાવી રૂપિયા પડાવવા માટે ગોંધી રખાયા છે. આ ફરિયાદ મળતાં પોલીસે બે અલગ-અલગ ટીમો બનાવી હતી અને કોલકાતા અને દિલ્હી મોકલી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, રાજેશ નટવરલાલ પટેલ નામના એજન્ટે આ લોકોને દિલ્હી અને કોલકાતા મોકલ્યા હતા. ત્યાં સુશિલ રોય, સંતોષ રોય તેમજ કમલ સિંઘાનિયા નામના માણસોએ ભેગા મળી તેમને ગેરકાયદે ગોધી રાખ્યા હતા અને તેમના પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારી બંદૂકની અણીએ તેમના પરિવાર સાથે ફોન પર વાત કરાવી એવું કહેવડાવ્યું હતું કે, તેઓ કેનેડા પહોંચી ગયા છે અને એમ બોલાવી અલગ-અલગ મળી કુલ રૂ. 2.31 કરોડ જેટલી રકમ પડાવી લીધી હતી.