શિરોમણી અકાલીદળના વડા સુખબિર સિંઘ બાદલ પક્ષની કોર કમિટીની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા છે. તેમણે કુષિ બિલના મુદ્દે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)થી અલગ થવાના પક્ષના નિર્ણયની જાહેરાત કરી હતી. (PTI Photo)

કૃષિ બિલના મુદ્દે શિરોમણી અકાલી દળ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના એનડીએ ગઠબંધનથી અલગ થઈ ગયું છે. અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે આ અંગે જાણકારી આપી હતી. ભાજપ અને અકાલીદળ 22 વર્ષથી એકસાથે હતા અને હવે તેમના સંબંધનો અંત આવ્યો છે. અકાલીદળ 1997થી એનડીએમાં સામેલ હતુ. અગાઉ શિવસેના એનડીએથી અલગ થઈ હતી.

અકાલીદળે અગાઉ માગણી કરી હતી કે ખેડૂતોની ચિંતા દૂર કરવામાં ન આવે ત્યાં સુધી સરકારે કૃષિ બિલોને સંસદમાં રજૂ ન કરવા જોઇએ. જોકે મોદી સરકારે આ માગણી સ્વીકારી ન હતી અને કૃષિ બિલ માટે સંસદની મંજૂરી મેળવી હતા. તેનાથી બંને પક્ષો વચ્ચે વિવાદ ઊભો થયો હતો. કૃષિ બિલને સમર્થન આપવાનું અકાલીદળ માટે મુશ્કેલ બન્યું હતું, કારણ કે પંજાબ અને હરિયાણામાં ખેડૂતો આ બિલના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. 2017 પહેલા અકાલીદળે પંજાબમાં બે વખત સરકાર બનાવી હતી, પરંતુ 2017માં તેને વિધાનસભાની 117માંથી માત્ર 15 બેઠક મળી હતી. રાજ્યમાં ફરી સત્તા મેળવવા માટે અકાલીદળ માટે ખેડૂતોનું સમર્થન જરૂરી છે.