Navratri Festival
. (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

કોરોના વાઇરસની મહામારીને કારણે ગુજરાત સરકારે આ વર્ષે ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ નહી યોજાવાનો શનિવારે નિર્ણય કર્યો હતો. જોકે રાજ્યમાં નવરાત્રી ઉત્સવની ઉજવણીની મંજૂરી આપવી કે તે નહીં તે અંગે રાજ્ય સરકારે હજુ કોઇ નિર્ણય કર્યો નથી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2003થી ગુજરાત સરકાર વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનુ આયોજન કરે છે. પહેલીવાર વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ રદ કરાયો છે.

નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ખેલૈયાઓ ગરબે ઝૂમવા આતુર બન્યાં છે. પણ કોરોનાની મહામારીને પગલે સરકાર ખુદ હજુ નવરાત્રી યોજવી કે નહી તે અંગે અનિર્ણિત છે. તબીબોનુ માનવુ છે કે, કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે નવરાત્રી યોજવી જોખમભર્યુ છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન, ગુજરાત નર્સિગ એસોસિએશને એવી દહેશત વ્યક્ત કરી છે કે, જો નવરાત્રી યોજાશે તો કોરોનાનુ સંક્રમણ વધી શકે છે.

આ અગાઉ ગાયકો, સંગીતકારો સહિતના વ્યવસાયકારોએ મુખ્યપ્રધાનને મળીને નવરાત્રી યોજવા રજૂઆત કરી હતી. જોકે, કોરોનાના લીધે અમદાવાદ,સુરત,રાજકોટ સહિતના શહેરોના કેટલાક ગરબા આયોજકોએ પણ આ વર્ષે ગરબા નહી યોજવા નિર્ણય કર્યો છે. વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ રદ થયા બાદ હવે સરકાર હવે નવરાત્રીને લઇને શું નિર્ણય કરશે તે માટે ખેલૈયાઓની નજર ગાંધીનગર પર મંડાઇ છે.