ભારતીય ટીમના નવોદિત સ્પિનર અક્ષર પટેલે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં હાલમાં પુરી થયેલી સીરીઝમાં ડેબ્યુ કર્યું હતું અને એ તેનું માટે ડ્રીમ ડેબ્યુ બની રહ્યું હતું. અક્ષર પટેલે આ સિરીઝમાં ચાર વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ ખેરવવાની સિદ્ધિ મેળવી હતી, જે ડેબ્યુ સીરીઝમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ છે.

અક્ષર પટેલે ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં ડેબ્યુ કર્યુ હતું. તેણે ટેસ્ટ સિરીઝમાં કુલ 27 વિકેટ ઝડપી હતી. ડેબ્યુ ટેસ્ટ સિરીઝ (ઓછામાં ઓછી ત્રણ મેચોની સિરીઝ) માં સૌથી વધુ વિકેટ ઝડપનારો દુનિયાનો પ્રથમ બોલર બની ગયો છે. તેની પહેલા ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અજંતા મેન્ડિસના નામે હતો, તેણે 2008મા ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં 26 વિકેટ લીધી હતી.

આ ઉપરાંત, અક્ષર પટેલે એક ટેસ્ટ સિરીઝમાં એક ઈનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેવાની સફળતા ચાર વખત મેળવી નરેન્દ્ર હિરવાણીનો રેકોર્ડ તોડ્યો હતો. હિરવાણીએ એક ટેસ્ટ સિરીઝમાં ત્રણ વાર એક ઈનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ કર્યો હતો, તો એલ. શિવરામકૃષ્ણને પણ ત્રણવાર આવી સફળતા મેળવી હતી. આર અશ્વિને એક સિરીઝમાં બે વખત એક ઈનિંગમાં પાંચ વિકેટની સફળતા નોંધાવી હતી.