અક્ષયકુમારની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ મિશન રાનીગંજને બોક્સઓફિસ પર સરેરાશ પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ અંગે અક્ષયકુમારે જણાવ્યું હતું કે, બિઝનેસની ચર્ચા કરીએ તો ફિલ્મો પર પ્રેશર થવું જોઈએ નહીં. બિઝનેસના બદલે સ્ટોરી અને કન્ટેન્ટની વાત થવી જોઈએ. અત્યારના સમયમાં રૂ. 100 કરોડનું કલેક્શન સામાન્ય થઈ ગયું છે, તેવી સલમાન ખાને કોમેન્ટ કરી હતી.
આ સંદર્ભે વાત કરતાં અક્ષયે દાવો કર્યો હતો કે, હોલિવૂડની જેમ ઈન્ડિયન સિનેમા પણ 2000-3000 કરોડની ફિલ્મ આપવા સક્ષમ છે. જવાન અને ગદર 2ના બોક્સઓફિસ કલેક્શન અંગે વાત કરતાં અગાઉ સલમાન ખાને જણાવ્યુ હતું કે, રૂ.100 કરોડની ક્લબ હવે મોટી વાત નથી. હવે નવો બેન્ચમાર્ક રૂ.1000 કરોડના કલેક્શનનો હોવો જોઈએ. અક્ષયકુમારનું માનવું છે કે, બિઝનેસનો વિચાર કરવાથી ફિલ્મો પર પ્રેશર આવે છે. તેને માત્ર બિઝનેસની દૃષ્ટિથી જોવી જોઈએ નહીં. કેટલીક સ્ટોરીઝ કહેવાય તે જરૂરી હોય છે અને તેને બિઝનેસ સાથે સરખાવી શકાય નહીં.
શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની સફળતા અંગે ખુશી વ્યક્ત કરતાં અક્ષયે કહ્યું હતું કે, હજુ ઘણી વધારે ફિલ્મો હિટ જાય તેવી આશા છે. શાહરૂખની જવાને આવો સારો બિઝનેસ કર્યો તેનાથી આનંદ થયો છે. તેની સાથે ગદર 2, ઓહ માય ગોડ 2 સહિત ઘણી ફિલ્મોનું પ્રદર્શન સારું રહ્યું છે. કોરોના દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રી બહુ ખરાબ તબક્કામાંથી પસાર થઈ હતી. હવે સ્થિતિ બદલાઈ છે અને રૂ.1000 કરોડનો બેન્ચમાર્ક બને તે મોટી બાબત છે. જોકે, મને આશા છે કે, હોલિવૂડની જેમ આપણે પણ રૂ. 2000-3000 કરોડની ફિલ્મો આપવા સક્ષમ છીએ. ઈન્ડિયન સિનેમા પાસે જેવા સ્ક્રિનપ્લે અને સ્ક્રિપ્ટ છે, તેવું હોલિવૂડ પાસે નથી.
અક્ષયકુમારની ફિલ્મ મિશન રાનીગંજમાં 1989ના વર્ષમાં કોલસાની ખાણમાં સર્જાયેલી હોનારતમાં 65 શ્રમિકો ફસાયા હતા. પોતાના જીવના જોખમે તેમને બચાવી લેનારા એન્જિનિયર જસવંતસિંહ ગિલનો રોલ અક્ષય કુમારે કર્યો હતો. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા, રવિ કિશન, કુમુદ મિશ્રા અને પવન મલહોત્રા પણ મહત્ત્વના રોલમાં છે.