(ANI Photo)

છેલ્લા કેટલાક સમયથી સતત ફ્લોપ ફિલ્મો આપવાનો રેકોર્ડ ધરાવતા અક્ષયકુમારને નવી ફિલ્મો ઓફર થઈ રહી છે. અક્ષયે તાજેતરમાં પોતાના 57મા જન્મ દિવસે આશ્ચર્યજનક જાહેરાત કરી હતી. જાણીતા ડાયરેક્ટર પ્રિયદર્શન સાથે 14 વર્ષ બાદ અક્ષય કુમાર ફિલ્મ કરવાના છે, જેનું નામ ‘ભૂત બંગલા’ છે. અક્ષય અને પ્રિયદર્શને અગાઉ સંખ્યાબંધ હિટ કોમેડી ફિલ્મો આપી છે. આ વખતે અક્ષય-પ્રિયદર્શનની જોડી હોરર કોમેડી લઈને આવી રહી છે. સૂત્રો કહે છે કે, અક્ષ કુમારની સાથે આ ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ અને અસરાની પણ જોવા મળશે.

અક્ષયકુમાર અને પ્રિયદર્શને બોલીવૂડની યાદગાર કોમેડી ફિલ્મો બનાવી છે, જેમાં ‘હેરાફેરી’, ‘ગરમ મસાલા’, ‘ભાગમ ભાગ’ અને ‘ભૂલ ભુલૈયા’નો સમાવેશ થાય છે. અગાઉ આ જોડીએ બોક્સઓફિસ પર મેળવેલી સફળતાને જોતાં ‘ભૂત બંગલા’ને દર્શકો પસંદ કરે તેવી સંભાવના છે. અક્ષયકુમારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, લાંબા સમય બાદ આ ડ્રીમ કોલાબરેશન થઈ રહ્યું છે. અક્ષયે ફિલ્મનું મોશન પોસ્ટર પણ પોસ્ટ કર્યું હતું, જેમાં તે ખભા પર કાળી બિલાડી મૂકીને દૂધ પીતા દેખાય છે.

અક્ષયનો આ અતરંગી લૂક જોઈને ફિલ્મની કહાની કોમેડી હોવાનો અંદાજ આવી શકે છે.દર્શકોની અત્યારની પસંદગીને જોતાં કોમેડી સાથે હોરરનું કોમ્બિનેશન રાખવામાં આવ્યું છે. અક્ષયની સાથે આ કોમેડી ત્રિપુટીની ધમાલ માણી ચૂકેલા દર્શકોની સાથે અત્યારના નવા અને યુવાન દર્શકોની પસંદનું પણ ધ્યાન રખાયું છે.

‘ભૂત બંગલા’ 2025માં ફ્લોર પર જવાની છે અને તે એજ વર્ષે તેને રિલીઝ કરવાનું પણ આયોજન છે. ફિલ્મને એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સ તથા અક્ષયકુમારના કેપ ઓફ ગુડ હોપ દ્વારા પ્રોડ્યુસ કરાશે. ત્રણ મુખ્ય અભિનેત્રીને પસંદ કરવાનું કામ થઇ રહ્યું છે.

LEAVE A REPLY