માનવસર્જિત ક્લાઇમેટ વોર્મિંગને કારણે 1981 અને 2020ની વચ્ચે વિશ્વના ઉત્તરીય ગોળાર્ધમાં સ્નોપેકમાં ચિંતાજનક ઘટાડો થયો છે. દક્ષિણપશ્ચિમ અને ઉત્તરપૂર્વીય અમેરિકા તેમજ મધ્ય અને પૂર્વ યુરોપમાં પ્રત્યેક દાયકામાં સ્નોપેકમાં 10થી 20 ટકા સુધીનો તીવ્ર ઘટાડો થયો છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે સ્નોપેકમાં ઘટાડો ભવિષ્યમાં તીવ્ર બનવાની ધારણા છે અને તેનાથી પાણીની ઉપલબ્ધતા સામે પણ પડકારો ઊભા થઈ શકે છે, એમ નેચર જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે.

સ્નોપેક એટકે બરફવર્ષા પછી જમીન પર એકઠો થયેલો બરફ અને તે માઇસ તાપમાનને કારણે લાંબા સમય સુધી ઓગળતો નથી. સંશોધકોએ જણાવ્યું હતું કે ગરમ શિયાળામાં સામાન્ય રીતે બરફની જગ્યાએ વરસાદ થાય છે. તેનાથી બરફ ઓગળવાની પ્રક્રિયા પણ ઝડપી બને છે અને   બરફનું આવરણ ઘટે છે. પાણી માટે બરફ પર આધાર રાખતા ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાના લાખો લોકો માટે જળસુરક્ષા સામે જોખમ ઊભું થઈ શકે છે.

અભ્યાસમાં જણાવાયું છે કે માનવસર્જિત ક્લાઇમેટ ચેન્જથી સિઝનલ સ્નો કવરને અસર થઈ શકે છે.

અમેરિકાના ન્યુ હેમ્પશાયરના ડાર્ટમાઉથ કોલેજના યુએસના સંશોધકોએ બરફ પર આબોહવા ઉષ્ણતામાનની અસરોની ચકાસણી કરી હતી. આ અભ્યાસમાં જણાવાયું હતું કે માનવસર્જિત વોર્મિંગથી 1981 અને 2020ની વચ્ચે સ્નોપેકમાં ઘટાડા થયો હતો. જોકે હજુ સુધી બરફમાં ઘટાડો એટલો બધો વ્યાપક નથી.

સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે શિયાળામાં તાપમાન માઈનસ 8 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે ત્યારે બરફ પીગળવા માટે વધુ સંવેદનશીલ બને છે અને ઉત્તર ગોળાર્ધના બરફના જથ્થાનો 20 ટકા હિસ્સો આ શ્રેણીમાં તાપમાનવાળા સ્થળોએ જોવા મળ્યો છે. આ તમામ સ્થાનો પર ભવિષ્યમાં બરફમાં ઘટાડાનું પ્રમાણ વધવાનું જોખમ છે. બરફમાં ઘટાડાથી પાણીના નવા સપ્લાયમાં ઘટાડો થવાનું જોખમ છે.

અભ્યાસના તારણો દર્શાવે છે કે ઉત્તરીય ગોળાર્ધની લગભગ 80 ટકા વસ્તી નદીના એવા તટપ્રદેશની નજીક રહે છે જે તાજા પાણી માટે બરફ આધારિત છે. આ બરફ આધારિત નદીઓના વહેણમાં તીવ્ર ઘટાડો થઈ શકે છે અને તેનાથી પાણીની ઉપલબ્ધતાના પડકારો ઊભા થઈ શકે છે.

સંશોધકોએ હિમાલયમાં ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુના તટપ્રદેશોનો પણ અભ્યાસ કર્યો હતો. પરંતુ તેમણે ભારતલક્ષી આ અંગેના કોઇ ડેટા જારી કર્યા ન હતાં.

 

LEAVE A REPLY

five × 1 =