નોર્વે ચેસના રાઉન્ડ-6માં વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1 મેગ્નસ કાર્લસન સામે વિજયથયો હતો. (ANI Photo)

નોર્વેમાં યોજાઈ ગયેલી સ્ટાન્ડર્ડ ક્લાસિકલ ચેસ સ્પર્ધામાં ગયા સપ્તાહે ચેસના મહાનતમ ખેલાડી મેગ્નસ કાર્લસને આંચકાજનક રીતે ભારતના કિશોર વયના ગ્રાંડમાસ્ટર ડી. ગુકેશ સામે પરાજય પછી મિજાજ ગુમાવ્યો હતો અને ટેબલ ઉપર હાથ પછાડી, નામનું સૌજન્ય દાખવી તેને હરાવનાર હરીફ સાથે ઉતાવળે હાથ મિલાવ્યા પછી ચેસ બોર્ડ પણ ઉલાળી દીધું હતું અને સ્પર્ધા સ્થળેથી ગુસ્સા, ઉશ્કેરાટમાં ચાલતી પકડી હતી.

કાર્લસન સામે કોઈપણ ખેલાડીનો વિજય થાય ત્યારે તે ઘણી મોટી ઘટના જ કહેવાય અને ખાસ કરીને ભારતનો કિશોર વયનો ગ્રાંડમાસ્ટર ડી. ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન તો છે જ, પણ સ્ટાન્ડર્ડ ક્લાસિકલ ચેસની ગેમમાં તે કાર્લસનને ક્યારેય મહાત કરી શક્યો નથી. 19 વર્ષના ગુકેશનો આ ફોર્મેટમાં ગમે ત્યારે કાર્લસન સામે મુકાબલો થાય ત્યારે તે ઓછો કાબેલ (અંડરડોગ) હરીફ જ ગણાય છે.

જો કે, કાર્લસન હવે વર્લ્ડ ચેમ્પિયન રહ્યો નથી. અગાઉ તે પાંચ વખત આ બિરૂદ હાંસલ કરી ચૂક્યો છે પણ હવે તે ક્લાસિકલ ચેસ રમતો નથી, તેનાથી કંટાળી ગયો છે. બીજી તરફ, ડી. ગુકેશે કાર્લસન સામેના વિજયના પ્રતિભાવમાં કહ્યું હતું કે, આ મારી ધારણા, અપેક્ષા મુજબનો વિજય તો નથી જ.

કાર્લસને ઉશ્કેરાટમાં પરાજય પછી ચાલતી પકડ્યા પછી ગુકેશે કહ્યું હતું કે આ મારા માટે સૌથી સંતોષપ્રદ વિજય તો નથી જ, પણ હા, આખરે વિજય એ વિજય છે.

LEAVE A REPLY