Alia Bhatt and Ranbir Kapoor became parents to a daughter
(Photo by STR/AFP via Getty Images)

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ૧૪ એપ્રિલે યોજાનારાં લગ્ન માટે બંને પરિવારોમાં લગ્નની તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી છે. હજુ સુધી બંને પરિવારોએ સત્તાવાર રીતે લગ્નની જાહેરાત કરી નથી પરંતુ રણબીર કપૂરના બંગલે તૈયારીઓનો ધમધમાટ તથા બંનેના પરિવારજનો તથા મિત્ર વર્તુળોમાંથી મળેલી માહિતી પ્રમાણે બંને ઓછા મહેમાનોની હાજરીમાં પરંતુ શાનદાર સમારંભમાં લગ્ન કરશે.

મુંબઇમાં ચેમ્બુર ખાતે કપૂર પરિવારના બંગલો કૃષ્ણા કોટેજમાં રોશનીની હારમાળા ગોઠવવાનું શરુ કર્યું છે. સમગ્ર બંગલો લગ્નના પ્રસંગોના ચાર દિવસ દરમિયાન ઝગમગતો રહેશે. સાથે ફૂલોની ખાસ સજાવટ પણ કરવામાં આવી રહી છે. નીતુ કપૂર ખુદ સમગ્ર તૈયારીનું સંચાલન કરી રહ્યા છે.

લગ્‍ન પછી રણબીર અને આ‌લિયા બોલીવૂડના ફ્રેન્ડ્સ માટે રિસેપ્શનનું આયોજન કરશે. આલિયાના નાના એન. રાઝદાનની તબિયત ખરાબ હોવાથી તેમણે આ લગ્ન થોડી સાદગીથી કરવાનું નક્કી કર્યું છે. આલિયાના નાનાને રણબીર પસંદ છે અને તેઓ ઇચ્છે છે કે, તેમની હાજરીમાં આ લગ્ન થાય. તેઓ અગાઉ રાજસ્થાનમાં લગ્ન કરવાનાં હોવાની ચર્ચા હતી.

બીજી તરફ આલિયાના ભાઇ રાહુલ ભટ્ટના જણાવ્યા અનુસાર મુંબઇની એક એજન્સીને સિક્યુરિટીની જવાબદારી સોંપાઈ છે. આ એજન્સીના ૨૦૦ બાઉન્સર્સ લગ્ન સ્થળે ગોઠવાશે. લગ્નમાં ગણતરીના 40થી 50 અંગત લોકોને જ આમંત્રણ હોવાથી કોઇપણ અનિચ્છનીય વ્યક્તિનો પ્રવેશ ટાળવા માટે અને ખાસ તો પાપારાઝી ફોટોગ્રાફર્સની કોઇપણ હિલચાલને ખાળવા માટે ચુનંદા જવાનો ગોઠવાશે.

પાપારાઝીઓને ટાળવા માટે ડ્રોન સિક્યુરિટી પણ ગોઠવાશે, સાથે સાથે સમગ્ર સંકુલ આસપાસ સિક્યુરિટીની વાન પણ ફરતી રહેશે. લગ્ન નાનાપાયે હોવાથી સમગ્ર આયોજન કોઈ વેડિંગ પ્લાનર કે ઇવેંટ મેનેજમેંટ કંપનીને સોંપાયું નથી. તેને બદલે પરિવારજનો તથા મિત્રોએ જ નાની મોટી વ્યવસ્થા પોતાની જાતે વહેંચી લીધી છે. મહેંદી તથા અન્ય કેટલીક નાની વિધિઓ તો રણબીર જે એપાર્ટમેંટમાં રહે છે તેના કોમ્યુનિટી હોલમાં જ યોજાશે તેવું જાણવા મળ્યું છે.